Salim Durani Passed Away: ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ માટે બહુ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું આજે સવારે 5 વાગે જામનગર ખાતે 88 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ પોતાના ભાઈ જહાંગીર દુર્રાની સાથે જામનગરમાં રહેતા હતા. થોડા સમય પહેલાં જ તેમની પ્રોકસીમલ ફેમોરલ નેઇલ સર્જરી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં તેમની જાંઘનું હાડકું તૂટી ગયા પછી દુર્રાનીએ પ્રોક્સિમલ ફેમોરલ નેઇલ સર્જરી કરાવી હતી.
ભારતના સૌથી સ્ટાઈલિશ ક્રિકેટર હતા
સલીમ સાહેબ ભારતના સૌથી સ્ટાઈલિશ ક્રિકેટર હતા. તેમણે 1960થી 1973 દરમિયાન 29 ટેસ્ટ રમી હતી. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હોવા ઉપરાંત તે લેફ્ટ-આર્મ ઓફ સ્પિન પણ નાખતા હતા. 1960માં કાંગારું સામે તેમણે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. પોતાના કરિયરમાં તેમણે 75 શિકાર કરવા ઉપરાંત 1202 રન પણ બનાવ્યા હતા. ઓવરઓલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 170 મેચમાં 8545 રન બનાવ્યા હતા અને 484 વિકેટ ઝડપી હતી.
https://twitter.com/RaviShastriOfc/status/1642364520378286080
ડિમાન્ડ પર સિક્સ ફટકારતા હતા
ક્રિકેટ ફેન્સને તેમની સ્ટાઇલને ફોલો કરતા હતા. ક્રિકેટર પણ સ્ટાઈલિશ હોય શકે તેવો આભાસ સૌથી પહેલા તેમણે કરાવ્યો હતો. આ ઉપરાંત તેઓ ચાહકોની ડિમાન્ડ પર સિક્સ ફટકારવા માટે પણ જાણીતા હતા.
ઇંગ્લેન્ડ સામેની સીરિઝ જીતમાં સિંહફાળો
ભારત ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીત્યું હતું, તેમાં સલીમ સાહેબનો સિંહફાળો હતો. તેમણે કોલકાતા ટેસ્ટમાં 8 અને મદ્રાસ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત પહેલીવાર વિન્ડીઝ સામે ટેસ્ટ જીત્યું તેમાં પણ તેમણે ક્લાઈવ લોય્ડ અને ગેરી સોબર્સની મુખ્ય વિકેટો ઝડપી હતી.
https://twitter.com/VVSLaxman281/status/1642379656765767682
પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા
સલીમ સાહેબ અર્જુન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હતા. ઉલ્લેખનીય છે કે, તેમનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનમાં થયો હતો. . જો કે દુર્રાની માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. આ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુર્રાનીનો પરિવાર ભારત આવ્યો હતો. 7 વર્ષ પહેલાં 2016માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમમાં પહેલીવાર ટેસ્ટ રમાઈ ત્યારે સલીમ સાહેબને ફેલિસિટેટ કર્યા હતા.

PM મોદીની ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટ કરીને સલીમ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, સલીમ દુર્રાની ક્રિકેટના દિગ્ગજ હતા. તેમણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મેદાન પર અને મેદાનની બહાર તે પોતાની સ્ટાઈલ માટે જાણીતા હતા. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.
https://twitter.com/narendramodi/status/1642388435540357120
PM મોદીએ આગળ લખ્યું કે, સલીમજીનો ગુજરાત સાથે ખૂબ જૂનો અને મજબૂત નાતો હતો. તે થોડા વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા હતા. તેમણે ગુજરાતને પણ પોતાનું ઘર બનાવ્યું હતું. મને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી હતી અને તેમના બહુપક્ષીય વ્યક્તિત્વથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. આપણે તેમને બહુ મિસ કરીશું.
નિરંજન શાહે શ્રદ્ધાંજલિ આપી
BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે જણાવ્યું, “સલીમજી ખૂબ જ ઉમદા અને દયાળુ વ્યક્તિ હતા. તેમની રમત પ્રત્યેની ક્ષમતા અને જુસ્સો નોંધપાત્ર હતો. ક્રિકેટની રમતમાં તેમનું યોગદાન કાયમ યાદ રહેશે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના દરેક લોકો તેમના ઉમદા આત્માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરે છે."