Cricket
Gujarati Jagran Exclusive: એક ઓવરમાં 7 સિક્સ માર્યા પછી Ruturaj Gaikwadનો સૌથી પહેલો ઇન્ટરવ્યૂ, જણાવ્યું કે, એ ઓવર વખતે શું ચાલતું હતું મગજમાં!
મનન વાયા, અમદાવાદ. 28 નવેમ્બર 2022. વિજય હઝારે ટ્રોફીની ક્વૉર્ટરફાઇનલમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડ-B ખાતે ટકરાઈ હતી. ઇતિહાસમાં જ્યારે પણ આ મેચની વાત થશે તો એ માત્ર અને માત્ર ઋતુરાજ ગાયકવાડને લીધે થશે. 159 બોલમાં 10 ફોર અને 16 સિક્સની મદદથી 220 રનની અણનમ ઇનિંગ્સ રમીને ઋતુરાજ ગાયકવાડે વિરોધી ટીમના ભુક્કા બોલાવી દીધા. તેમાં પણ એક ઓવરમાં સતત સાત સિક્સ (એક નો-બોલ સહિત) મારીને તેણે સૌથી વધુ 42 રન મારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
ગેમ બાદ ઋતુરાજ ગાયકવાડે ગ્રાઉન્ડમાં આ મેચના સાક્ષી બનેલા એકમાત્ર જર્નાલિસ્ટ સાથે વાત કરી અને એ દરમિયાન રસપ્રદ ડિટેલ્સ શેર કરી. ચાલો જાણીએ શું ચાલતું હતું ઋતુના મનમાં.
સૌથી પહેલા તો ઋતુભાઈ તમને કેવું લાગી રહ્યું છે?
ફિલહાલ તો બહોત અચ્છા લગ રહા હૈ. એક સારી ટીમ સામે અમે મેચ જીત્યા એની સૌથી વધુ ખુશી છે. પર્સનલી મારા માટે બહુ મોટી અચિવમેન્ટ છે. આ મારી પહેલી ડબલ સેન્ચુરી છે, એટલે બહુ સારું લાગી રહ્યું છે.
49મી ઓવર શરૂ થઈ ત્યારે તમે 165 રને રમી રહ્યા હતા. બોલ બાય બોલ તમારા મગજમાં શું ચાલતું હતું, તમને ક્યારે લાગ્યું કે 6 સિક્સ થઈ જશે?
એક્ચુલી 49મી ઓવર સ્પિનર (UPનો શિવા સિંહ) નાખી રહ્યો હતો અને બાઉન્ડરી નાની હોવાથી મેં વિચાર્યું કે હું ઓલઆઉટ એટેક કરીશ. ચોથા બોલ પછી પાંચમો બોલ મને બરાબર સ્લોટમાં મળ્યો અને એ નો-બોલ હતો, ત્યારે મને લાગ્યું કે હવે ફ્રી-હિટમાં સિક્સ આઉટ ઓફ સિક્સ (6માંથી 6) તો થઈ જ શકે છે. ત્યારે જ લાગ્યું હતું, પહેલી 2-3 સિક્સ પછી 6 સિક્સ મારીશ એવું લાગ્યું નહોતું કે વિચાર પણ નહોતો આવ્યો.
6 સિક્સ મારી દીધા પછી સાતમી સિક્સ વિશે વિચારતા હતા?
ના, એ તો ચેરી ઓન ધ કેક જેવી વાત હતી. (સોને પે સુહાગા જેવી). 6માં 6 વાગી ગયા પછી સાતમા બોલ માટે હું ફરી સિક્સ મારવાનો પ્રયાસ કરવાનો જ હતો અને એ પણ કનેક્ટ થઈ ગયો.
આ એક ડ્રિમ ઇનિંગ્સ હતી, પણ શું તમે ક્યારેય આવું ડ્રિમ કર્યું હતું કે આવું કારનામું કરશો? 200 રન, એક ઓવરમાં 7 સિક્સ?
આવું તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. ડબલ હન્ડ્રેડ મારીશ ક્યારેક એવું તો વિચાર્યું હતું પણ એક ઓવરમાં 7 સિક્સ વિશે ક્યારેય નહોતું વિચાર્યું.
ઋતુભાઇ, એક નાનકડો ટેક્નિકલ કવેશ્ચન, તમારું આજનું વેગન-વહીલ જોઈએ તો 43% રન ઓફ-સાઈડમાં માર્યા છે અને 57% રન લેગ સાઈડમાં માર્યા છે. પ્લસ તમે મોટા ભાગના એટેકીંગ શોટ Vમાં જ માર્યા હતા. બોલ આવે એ પહેલા વિચારો છો કે અહીં શોટ્સ મારીશ કે રિએક્ટ કરો છો?
થોડું પ્રીમેડિટેડ (પહેલીથી વિચારીને) કરીને રમવું પડે છે. ખબર હોવી જોઈએ કે બોલર ક્યાં નાખવાનો છે, એનો પ્લાન શું છે. બહુ ઓછા પ્લેયર્સ છે જે ઓફ-સાઈડ પર સિકસીસ મારી શકે છે. બિગ હીટર્સ સામાન્યપણે ઓન-સાઈડ અથવા સ્ટ્રેટમાં જ સિક્સ મારે છે. એવું કઈ વિચાર્યું નહોતું કે એક જ સાઈડ મારવું છે. જ્યાં બોલ આવ્યો તો માર્યા.
આજે રાત્રે નીંદર આવશે ઋતુભાઈ?
બિલકુલ, કેમ નહીં આવે? થાકેલો છું તો નીંદર તો આવી જ જોઈએ (હસી પડે છે).
આ ઇનિંગ્સ કોને ડેડિકેટ કરવા માગો છો?
આ ઇનિંગ્સ આમ તો બહુ બધા લોકોને ડેડિકેટ કરવી છે. બહુ લાંબું લિસ્ટ છે.
પણ જો તમારે કોઈ એકને જ ડેડિકેટ કરવાની હોય તો?
વન પર્સન? સૌથી પહેલા મારી ટીમને ડેડિકેટ કરીશ. તેમણે ઘણી મહેનત કરી છે, બહુ એફર્ટ આપ્યા પછી અમે અહીં પહોંચ્યા છીએ. એક સીનિયર તરીકે મારે ટીમ માટે જરૂર હતી ત્યારે મોટા સ્ટેજ પર રમવાનું હતું એટલે આ ઇનિંગ્સ મારી ટીમ માટે અને જે પણ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા છે એ તમામને ડેડિકેટ કરીશ.
છેલ્લો પ્રશ્ન, તમારું કરિયર એક રીતે એમએસ ધોનીની કપ્તાનીમાં બન્યું છે, અને અત્યારે તમે મહારાષ્ટ્રને લીડ કરી રહ્યા છો, તમારી માટે આગામી મેચમાં જવું કેટલું મહત્ત્વનું હશે?
સેમ માઈન્ડસેટ સાથે જઇશ, ટીમ તરીકે પણ કંઈ અલગ નહીં કરીએ. શું ડિફરન્ટ કરી શકીએ?
BCCI દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં જોવો એ ઐતિહાસિક ઓવર: