ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ, ભારત સામે વનડે ક્રિકેટમાં બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, તૂટ્યો 9 વર્ષ જૂનો રેકોર્ડ

ઇંગ્લેન્ડે ત્રીજી વનડેમાં ભારત સામે 387 રનનો વિશાળ સ્કોર બનાવીને ઇતિહાસ રચ્યો છે. બેન ડકેટની સદી અને ડેથ ઓવર્સના ધબડકા સાથે તૂટેલા તમામ રેકોર્ડ્સ વાંચો અહીં.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 19 Jul 2026 09:36 PM (IST)Updated: Sun, 19 Jul 2026 09:36 PM (IST)
england-created-history-at-lords-posting-their-highestever-odi-score-against-india-and-breaking-a-9yearold-record

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ઇતિહાસના પાના ઉથલાવી દીધા છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેનોએ ભારતીય બોલિંગ આક્રમણના લીરેલીરા ઉડાવી દીધા હતા અને નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 387 રનનો વિશાળ પહાડ જેવડો સ્કોર ખડો કરી દીધો છે. આ સાથે જ ઇંગ્લેન્ડે વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત સામે એક નવો જ કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે.

9 વર્ષ જૂનો રેકોર્ડ થયો ધ્વસ્ત

ત્રીજી વનડે મેચમાં ભારતીય બોલિંગ લાઇનઅપ અત્યંત નબળી સાબિત થઈ હતી. ઇંગ્લેન્ડના ઓપનર્સે મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને 192 રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી, જે લોર્ડ્સના મેદાન પર વનડે ક્રિકેટની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ બની ગઈ છે. સલામી બેટ્સમેન બેન ડકેટે શાનદાર સદી ફટકારી હતી, જ્યારે સ્ટાર બેટ્સમેન જો રૂટે વધુ એક અડધી સદી ફટકારીને ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી હતી. રસપ્રદ વાત એ છે કે આખી સીરિઝ દરમિયાન ભારતીય બોલરો જો રૂટને એક પણ વખત આઉટ કરી શક્યા નથી. ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ વનડેમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. આ પહેલાં વર્ષ 2017માં કટકમાં તેમણે 366 રન બનાવ્યા હતા, જે રેકોર્ડ આજે લોર્ડ્સમાં તૂટી ગયો છે.

ભારત સામે વનડેમાં ઇંગ્લેન્ડના સૌથી મોટા સ્કોર

  • 387 રન - લોર્ડ્સ, 2026
  • 366 રન - કટક, 2017
  • 350 રન - પુણે, 2017
  • 338 રન - બેંગલુરુ, 2011

છેલ્લી ઓવરોમાં અંગ્રેજોએ મચાવ્યો કહેર

ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ માત્ર શરૂઆતમાં જ નહીં, પરંતુ મેચના અંતમાં એટલે કે ડેથ ઓવર્સમાં પણ ભારતીય બોલરોની બરાબરની ક્લાસ લીધી હતી. 41 થી 50 ઓવરની વચ્ચે ઇંગ્લેન્ડે ધમાકેદાર બેટિંગ કરતા 126 રન ફટકાર્યા હતા. આ સાથે જ ભારત વિરૂદ્ધ છેલ્લી 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ઇંગ્લેન્ડ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે અને તેમણે આ મામલે શ્રીલંકાને પાછળ છોડી દીધું છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકા હજુ પણ ટોપ પર છે, જેણે 2015માં વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે છેલ્લી ઓવરોમાં 144 રન ફટકાર્યા હતા.

ભારત સામે 41 થી 50 ઓવરોમાં સૌથી વધુ રન (ODI)

  • 144 રન - દક્ષિણ આફ્રિકા (વાનખેડે, 2015)
  • 135 રન - દક્ષિણ આફ્રિકા (જોહાનિસબર્ગ, 2013)
  • 126 રન - ઇંગ્લેન્ડ (લોર્ડ્સ, 2026)
  • 124 રન - શ્રીલંકા (કિંગ્સટન, 2013)

આ સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ હોવાથી ભારત સામે હવે 388 રનનો મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો પડકાર છે. જો ભારતીય બેટ્સમેનો આ મેચ જીતશે તો તે પણ એક મોટો રેકોર્ડ બનશે.