ED: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સટ્ટાબાજી એપ કેસમાં કાર્યવાહી કરતી વખતે બંનેની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ 1xBet સામેના કેસમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ ધવનની 4.5 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને રૈનાના 6.64 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યા છે.
કરોડોની છેતરપિંડીના આરોપ
તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સુરેશ રૈના અને શિખર ધવનની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલમાં ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનો સંબંધિત અનેક કેસોની તપાસ કરી રહ્યું છે. એજન્સી માને છે કે આવી સટ્ટાબાજી એપ્લિકેશનો માત્ર ગેરકાયદેસર જ નથી પરંતુ મોટા પાયે મની લોન્ડરિંગને પણ પ્રોત્સાહન આપે છે. આ એપ્લિકેશનો પર લાખો વ્યક્તિઓ અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા નોંધપાત્ર પ્રમાણમાં કરચોરી કરવાનો આરોપ છે. EDએ આ મામલે ખાસ કરીને ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોને દર્શાવતી જાહેરાતો સામે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ સંદર્ભમાં તપાસ હવે ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓની ભૂમિકામાં આગળ વધારવામાં આવી રહી છે.
EDના રડાર પર બીજું કોણ છે?
EDની તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ભૂતપૂર્વ ક્રિકેટરોએ 1xBet અને તેના પ્રતિનિધિઓને પ્રોત્સાહન આપવા માટે જાણી જોઈને વિદેશી સંસ્થાઓ સાથે એન્ડોર્સમેન્ટ કરાર કર્યા હતા. આ બે ઉપરાંત EDએ તેની તપાસના ભાગ રૂપે યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, મીમી ચક્રવર્તી (ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ) અને અંકુશ હાઝરા (બંગાળી અભિનેતા) જેવા અન્ય ભૂતપૂર્વ ક્રિકેટરોની પણ પૂછપરછ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જાહેરાતના પૈસા વિદેશી સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ વ્યવહારો ગેરકાયદેસર સટ્ટાબાજી દ્વારા કમાયેલા પૈસા છુપાવવા માટે રચાયેલ રીતે કરવામાં આવ્યા હતા.
પબ્લિકને એલર્ટ
જનતાને આ અંગે ચેતવણી આપવામાં આવી છે. તેમને ઓનલાઈન સટ્ટાબાજી અથવા જુગાર પ્લેટફોર્મમાં ભાગ લેવા, પ્રોત્સાહન આપવા અથવા રોકાણ કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. EDએ જાહેર જનતાને આવા પ્લેટફોર્મનો પ્રચાર કરતા કોઈપણ શંકાસ્પદ વ્યવહારો અથવા જાહેરાતોની જાણ કરવા પણ અપીલ કરી છે.
