Match-Fixing Allegations: કેનેડિયન ક્રિકેટ ટીમના ભારતીય મૂળના કેપ્ટન દિલપ્રીત સિંહ બાજવા વિવાદમાં ફસાઈ ગયા છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (CBC)ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલપ્રીતની કેપ્ટન તરીકે નિમણૂક પાછળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે. દિલપ્રીત મૂળ ગુરદાસપુર જિલ્લાના બટાલાનો રહેવાસી છે અને તેણે DAV સેન્ટેનરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.
તે BCCI અને પંજાબ પર પ્રતિભાની અવગણના કરવાનો આરોપ લગાવીને વર્ષ 2020માં કેનેડા ભાગી ગયો હતો,. CBCના અહેવાલ મુજબ, લોરેન્સ ગેંગે ટીમના ખેલાડીઓને દિલપ્રીતને કેપ્ટન તરીકે બઢતી આપવા માટે ધમકી આપી હતી. સાથી ખેલાડીઓને જો તેઓ દિલપ્રીતને ટેકો નહીં આપે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
કેનેડા પોલીસ પાસે પણ પહોંચી છે ફરિયાદ
રિપોર્ટમાં જણાવાયું છે કે કેનેડિયન ક્રિકેટ ટીમમાં ભ્રષ્ટાચાર, સંગઠિત ગુના અને મેચ ફિક્સિંગ વ્યાપક બની ગયા છે. આ અંગેની ફરિયાદો કેનેડિયન પોલીસ સુધી પણ પહોંચી છે. માનસિક તણાવને કારણે ઘણા ખેલાડીઓ કેપ્ટનશીપની રેસમાંથી ખસી ગયા છે. દિલપ્રીતની કેપ્ટન તરીકે નિમણૂકનો વિરોધ કરનારા ખેલાડીઓને થોડા સમય પછી લોરેન્સ બિશ્નોઈના નામે મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
દિલપ્રીત બાજવા પર મેચ ફિક્સિંગનો આરોપ
મેચ ફિક્સિંગના આરોપો બાદ પૂર્વ કોચના ઘરે બે ગોળીબાર થયો હતો. આ વર્ષે રમાયેલી T20 વર્લ્ડ કપ મેચમાં ન્યુઝીલેન્ડ સામે નો-બોલ ફેંકવા બદલ દિલપ્રીત પહેલાથી જ તપાસ હેઠળ છે. આ અંગેની પણ તપાસ ચાલુ છે. ભૂતપૂર્વ કેનેડિયન કોચ ખુર્રમ ચૌહાણે પણ દિલપ્રીત પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો.
આ પછી, ખુર્રમના કેલગરી સ્થિત ઘરે બે ગોળીબાર કરવામાં આવ્યા હતા. થોડા મહિના પહેલા દિલપ્રીતે બટાલા અને અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય એજન્સીઓએ લોરેન્સ બિશ્નોઈ સાથે દિલપ્રીતના સંબંધોની તપાસ શરૂ કરી દીધી છે.
