New Zealand vs West Indies Highlights: ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડી ડેવોન કોનવે અને ટોમ લેથમે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં અગાઉ અજોડ સિદ્ધિ હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડે ત્રીજી ટેસ્ટ જીતવા માટે વેસ્ટ ઈન્ડિઝને 462 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચોથા દિવસના અંત સુધીમાં વેસ્ટ ઈન્ડિઝે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 43 રન બનાવી લીધા હતા.
ડેવોન કોનવે અને ટોમ લેથમની જોડીએ રચ્યો ઈતિહાસ
ટોમ લેથમ અને ડેવોન કોનવેએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી, જેમાં અનુક્રમે 137 અને 227 રન બનાવ્યા હતા. તેમની ભાગીદારીને કારણે જ ન્યૂઝીલેન્ડે કુલ 575 રન બનાવ્યા. ત્યારબાદ બીજી ઇનિંગમાં ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 420 રનમાં ઓલઆઉટ કર્યા પછી ટોમ લેથમ અને ડેવોન કોનવેએ સદી ફટકારી. આ વખતે લેથમે 101 અને કોનવેએ 100 રન બનાવ્યા. આ સાથે ડેવોન કોનવે અને ટોમ લેથમની જોડી ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ઓપનિંગ જોડી બની.
આ સાથે ડેવોન કોનવેએ ન્યૂઝીલેન્ડ માટે બીજો ઇતિહાસ રચ્યો. તે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ઇતિહાસમાં એક જ ટેસ્ટમાં બેવડી સદી અને સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. વિકેટ જે રીતે રમાઈ રહી છે તે જોતાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વેસ્ટ ઈન્ડિઝ અંતિમ દિવસે 419 રનનો પીછો કરશે. પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ન્યૂઝીલેન્ડ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
