IND vs NZ: બીજી વનડે પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: ડેવોન કોનવે સિરીઝમાંથી બહાર, આ ખેલાડીને મળ્યું સ્થાન

ઉલ્લેખનીય છે કે, ડેવોન કોનવે પ્રથમ વનડે મેચમાં પણ રમી શક્યા નહોતા. ફીલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન તેમની ટક્કર સાથી ખેલાડી અને ઝડપી બોલર મેટ હેનરી સાથે થઈ ગઈ હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 06 Nov 2026 12:53 PM (IST)Updated: Fri, 06 Nov 2026 12:53 PM (IST)
devon-conway-ruled-out-ind-vs-nz-odi-series-nik-kelly-replacement
ડેવોન કોનવે ઘાયલ

Devon Conway Injured: ભારત સામે શનિવારે રમાનારી બીજી વનડે મેચ પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને ભારે આંચકો લાગ્યો છે. ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવે ઈજાના કારણે સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે કોનવેના સ્થાને નિક કેલીના નામની જાહેરાત કરી દીધી છે.

કન્કશનના કારણે કોનવે સિરીઝમાંથી બહાર

ઉલ્લેખનીય છે કે, ડેવોન કોનવે પ્રથમ વનડે મેચમાં પણ રમી શક્યા નહોતા. ફીલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન તેમની ટક્કર સાથી ખેલાડી અને ઝડપી બોલર મેટ હેનરી સાથે થઈ ગઈ હતી. આ અકસ્માત બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ કન્કશનની પુષ્ટિ કરી હતી. કોનવે હજુ સુધી ઈજામાંથી સંપૂર્ણપણે ઉગરી શક્યા ન હોવાથી તબીબી ટીમે તેમને બાકીની તમામ મેચોમાંથી આરામ કરવાની સલાહ આપી છે.

નિક કેલીની ટીમમાં એન્ટ્રી, મેટ હેનરીને ફિટ જાહેર કરાયા

ડેવોન કોનવે બહાર થતાં ન્યૂઝીલેન્ડે ડાબોડી બેટ્સમેન નિક કેલીને બાકીની તમામ મેચો માટે ટીમમાં સામેલ કરી લીધા છે. અગાઉ કેલીને માત્ર ચોથી અને પાંચમી વનડે માટે જ ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ શરૂઆતથી જ ટીમ સાથે જોડાશે.

બીજી તરફ, ન્યૂઝીલેન્ડ માટે રાહતના સમાચાર એ છે કે ઝડપી બોલર મેટ હેનરીને કન્કશન ટેસ્ટમાં ફિટ જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ બીજી વનડેમાં સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. હેનરીની વાપસીથી કીવી ટીમની બોલિંગ લાઇન-અપને વધુ મજબૂતી મળશે.

ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 0-1થી પાછળ

પાંચ મેચોની આ વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમ 0-1થી પાછળ ચાલી રહી છે. પ્રથમ વનડેમાં કીવી બેટ્સમેનોનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું અને સમગ્ર ટીમ માત્ર 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતા સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ભારતે વિરાટ કોહલીના આક્રમક અર્ધશતકની મદદથી ખૂબ જ સરળતાથી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. કોહલીએ માત્ર 51 બોલમાં 74 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેના કારણે ભારતીય ટીમે 23મી ઓવરમાં જ મેચ જીતીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.