Cricket MCC Rule: કેનેડા સુપર 60 ટૂર્નામેન્ટની સેમિફાઈનલ મેચમાં ક્રિકેટના મેદાન પર એક એવી અનોખી ઘટના બની છે જેને જોઈને ફેન્સ, અમ્પાયર અને ખેલાડીઓ પણ દંગ રહી ગયા હતા. મિસિસોગા માસ્ટર્સના બોલર અલી ખાને ટોરન્ટો સિક્સર્સ સામે એવો બાઉન્સર બોલ ફેંક્યો જે સીધો બાઉન્ડ્રી લાઈન પાર જતો રહ્યો હતો. જેના બદલામાં MCC નિયમ હેઠળ હરીફ ટીમને 5 રન મળ્યા હતા.
કેનેડા સુપર 60 ટૂર્નામેન્ટમાં ફેંકાયો અનોખો બાઉન્સર
ટોરન્ટો સિક્સર્સ અને મિસિસોગા માસ્ટર્સ વચ્ચે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ટોરન્ટોની ઈનિંગ્સની 9મી ઓવરમાં મિસિસોગાનો બોલર અલી ખાન બોલિંગ કરી રહ્યો હતો. તેની સામે વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન કાયરન પોલાર્ડ બેટિંગ કરી રહ્યો હતો.
અલી ખાને પોલાર્ડ સામે બાઉન્સર બોલ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલે ટપ્પો ખાધા બાદ એટલો તીવ્ર ઉછાળો લીધો કે તે પોલાર્ડ તેમજ વિકેટકીપર બંનેની પહોંચ બહારથી સીધો બાઉન્ડ્રી લાઈન પાર ચાલી ગયો હતો. બેટ્સમેનના બેટથી વાગેલા છગ્ગાની જેમ જ બોલ સીધો બાઉન્ડ્રીની બહાર પડ્યો હતો.
શા માટે મળ્યા 5 રન, શું કહે છે ક્રિકેટનો MCC નિયમ?
આ અનોખા બોલને જોઈને અમ્પાયરે તેને વાઈડ જાહેર કર્યો હતો અને ટોરન્ટોસિક્સર્સની ટીમને 5 રન એલોટ કર્યા હતા. જોકે, આ સાથે જ લોકોનું કુતૂહલ વધી ગયું હતું. કારણ કે, સામાન્ય રીતે સીધા બાઉન્ડ્રી પાર ગયેલા બોલ માટે 6 રન મળે છે. પરંતુ, આ બોલમાં માત્ર 5 રન જ એલોટ કરવામાં આવ્યા હતા. હવે લોકો જાણવા માંગે છે કયા નિયમ અનુસાર આ 5 રન ફાળવવામાં આવ્યા હતા.
ક્રિકેટ નિયમો બનાવતી સંસ્થા MCC દ્વારા જાહેર નિયમ 19.7 અનુસાર:
છગ્ગાનો નિયમ: બાઉન્ડ્રી પર છગ્ગાને 6 રન ત્યારે જ ગણવામાં આવે છે, જ્યારે બોલ બેટ્સમેનના બેટ અથવા શરીર સાથે અથડાઈને ટપ્પો ખાધા વિના સીધો બાઉન્ડ્રી પાર જાય છે.
પેનલ્ટી રન: અહીં બોલ બેટ્સમેનને સ્પર્શ્યા વગર ગયો હોવાથી અમ્પાયરે તેને વાઈડ જાહેર કર્યો હતો. વાઈડનો 1 એક્સ્ટ્રા રન અને બાઉન્ડ્રી બહાર જવાના 4 રન મળીને ટોરન્ટોને કુલ 5 રન આપવામાં આવ્યા હતા.
મેચનું પરિણામ: ટોરન્ટો સિક્સર્સ ફાઈનલમાં પહોંચી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટોરન્ટોસિક્સર્સે નિર્ધારિત 10 ઓવરમાં 4 વિકેટના ભોગે 130 રન બનાવ્યા હતા. કાયરન પોલાર્ડ 16 બોલમાં 40 રનની તોફાની ઈનિંગ રમી હતી. જવાબમાં 131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મિસિસોગા માસ્ટર્સની ટીમ 9 રનથી પાછળ રહી ગઈ અને મેચ હારી હતી. આ રોમાંચક જીત સાથે ટોરન્ટોસિક્સર્સે કેનેડા સુપર 60 ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.
