Gautam Gambhir Rajeev Shukla: ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનને કારણે ગૌતમ ગંભીરને પદ પરથી હટાવવાની અટકળો તેજ બની હતી. જોકે બીસીસીઆઈ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ તમામ અફવાઓ પર વિરામ મુકતા સ્પષ્ટતા કરી છે કે ગંભીરને હટાવવાની હાલ કોઈ યોજના નથી. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો કે બોર્ડ ટેસ્ટ ફોર્મેટમાં નવા કોચની નિમણૂક કરવાનું વિચારી રહ્યું છે, તેને શુક્લાએ સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
BCCI દ્વારા સત્તાવાર સ્પષ્ટતા
ગૌતમ ગંભીરની સતત થઈ રહેલી ટીકાઓ વચ્ચે રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું કે મીડિયામાં કોચ ગૌતમ ગંભીરને લઈને જે પણ અફવાઓ ચાલી રહી છે, તેને હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું. કોચ બદલવાની કોઈ વાત ચાલી રહી નથી. BCCI સચિવ દેવજીત સૈકિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે નવા કોચ લાવવા કે ગંભીરને હટાવવાની અમારી કોઈ યોજના નથી.
#WATCH | Delhi: Dismissing reports that the BCCI board is considering replacing or appointing a new head coach in the Test format in place of Gautam Gambhir, BCCI Vice-President Rajeev Shukla says, "I want to make it very clear regarding the speculation circulating in the media… pic.twitter.com/PKNQYpilP5
— ANI (@ANI) December 29, 2025
ટીમ ઈન્ડિયાનું નબળું પ્રદર્શન
જુલાઈ 2024 માં રાહુલ દ્રવિડ પછી ગૌતમ ગંભીરે કોચનું પદ સંભાળ્યું હતું, પરંતુ ત્યારથી અત્યાર સુધીનો ટીમ ઈન્ડિયાનો પ્રવાસ ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. ટીમને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 0-3 થી અને દક્ષિણ આફ્રિકા સામે 0-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ગંભીર ભારતના પહેલા એવા કોચ બન્યા છે જેમના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે બે વાર ટેસ્ટ સીરીઝમાં 'વ્હાઈટવોશ' થઈ છે. તેમના માર્ગદર્શન હેઠળ રમાયેલી 19 ટેસ્ટ મેચોમાંથી ભારત માત્ર 7 મેચ જ જીતી શક્યું છે.
ગૌતમ ગંભીરનો કાર્યકાળ
ગૌતમ ગંભીરનો બીસીસીઆઈ સાથેનો કરાર નવેમ્બર 2027 સુધીનો છે. બોર્ડના નિવેદનોથી એ સાબિત થાય છે કે તેઓ હાલમાં પોતાના પદ પર યથાવત રહેશે અને તેમને ટીમને સુધારવાની પૂરી તક આપવામાં આવશે. ભારતીય ટીમ માટે હવે મુખ્ય લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2027 ની ફાઈનલ સુધી પહોંચવાનું છે. ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારતે તેની આગામી 9 ટેસ્ટ મેચોમાંથી ઓછામાં ઓછી 7 મેચ જીતવી પડશે. ટીમની આગામી મોટી કસોટી 2026 માં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન થશે.
