Cricket World Record: ભારતીય સ્પિનરે સળંગ 21 મેડન ઓવર ફેંકી, અંગ્રેજોને પરસેવો છોડાવી દીધો; ક્રિકેટ ઈતિહાસનો સૌથી કંજૂસ સ્પેલ

જાન્યુઆરી 1964 માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં મદ્રાસના મેદાન પર આ રેકોર્ડ બન્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 11 Jun 2026 12:14 PM (IST)Updated: Thu, 11 Jun 2026 12:14 PM (IST)
bapu-nadkarni-cricket-world-record-21-consecutive-maiden-overs-in-india-vs-england-test-match

Indian spinner Bapu Nadkarni Cricket Record: T20 અને ઝડપી ક્રિકેટના આ યુગમાં જ્યાં લગભગ દરેક બોલ પર બાઉન્ડ્રી જોવા મળે છે. બીજી તરફ એક સમય એવો પણ હતો જ્યારે ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર બાપુ નાડકર્ણીએ સતત 131 બોલ સુધી એક પણ રન આપ્યો ન હતો. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં બાપુ નાડકર્ણીએ એક ઇનિંગમાં સતત 21 મેડન ઓવર ફેંકી હતી, અને કુલ 27 ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો.

ભારતીય સ્પીનરનો 'Unbreakable Record'

ક્રિકેટના મેદાન પર ઘણા રેકોર્ડ બને છે અને તૂટે છે, પરંતુ ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર બાપુ નાડકર્ણીનો આ રેકોર્ડ ક્રિકેટ ઇતિહાસના પન્ના પર હંમેશા માટે અમર થઈ ગયો અને આજના યુગમાં તેને તોડવો અશક્ય લાગી રહ્યો છે. બાપુ નાડકર્ણીએ એક જ ઈનિંગમાં સતત 131 બોલ ડોટ ફેંક્યા એટલે કે 21 ઓવર મેડન નાખી હતી.

1964 મદ્રાસ ટેસ્ટ મેચ અને નાડકર્ણીનો જાદુ

આ વાત છે જાન્યુઆરી 1964 ની, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ અને ક્રિકેટ ઈતિહાસની 551મી ટેસ્ટ મેચ મદ્રાસના (ચેન્નાઈ) મેદાન પર રમાઈ રહી હતી. આ મેચમાં ભારતના લેફ્ટ આર્મ સ્પિનર બાપુ નાડકર્ણીએ પોતાની ફિરકીનો એવો જાદુ ચલાવ્યો કે સમગ્ર ઈંગ્લેન્ડની ટીમના છક્કા છૂટી ગયા હતા.

21 સળંગ મેડન ઓવર, અકલ્પનીય 'કંજૂસ સ્પેલ'

બાપુ નાડકર્ણીના બોલિંગમાં એવી ગજબની ચોકસાઈ અને લાઈન-લેન્થ હતી કે અંગ્રેજ બેટ્સમેનો શોટ રમવાને બદલે માત્ર બોલને ડિફેન્ડ કરવા મજબૂર બન્યા હતા. બાપુ નાડકર્ણીએ ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં જે સ્પેલ ફેંક્યો, તેને ક્રિકેટ ઈતિહાસનો સૌથી 'કંજૂસ સ્પેલ' માનવામાં આવે છે.

  • ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં સળંગ 21 મેડન ઓવર (131 ડોટ બોલ) ફેંકી હતી.
  • પ્રથમ ઈનિંગ્સમાં કુલ 32 ઓવર બોલિંગ કરી હતી, જેમાં 27 ઓવર મેડન રહી હતી.
  • આખી ઈનિંગમાં માત્ર 0.15 ઈકોનોમી સાથે 5 રન જ આપ્યા. જોકે, તેમને કોઈ વિકેટ મળી ન હતી.
  • ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં તેમણે 6 ઓવર ફેંકી હતી, જેમાં 4 મેડન ઓવર સાથે 6 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

કેવી રહી હતી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ ઐતિહાસિક મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી.

  • ભારતીય કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
  • ભારતીય ટીમે બુદ્ધિ કુંદરણ (192 રન) અને વિજય માંજરેકરના (108 રન) શાનદાર પ્રદર્શનથી પોતાની પ્રથમ ઈનિંગ 457/7 સ્કોર પર ડિક્લેર કરી હતી.
  • જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 317 રનમાં સમેટાઈ ગઈ હતી.
  • ટીમ ઇન્ડિયાએ પોતાની બીજી ઇનિંગ 152/9 પર ડિક્લેર કરી હતી.
  • લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે 5મા દિવસની રમતના અંત સુધીમાં 241/5 નો સ્કોર બનાવ્યો અને મેચ ડ્રો રહી હતી.