Australia T20 World Cup 2026 Team: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ મેગા ઇવેન્ટનો પ્રારંભ 7 ફેબ્રુઆરીએ થશે અને ફાઈનલ મેચ 8 માર્ચના રોજ રમાશે. ઓસ્ટ્રેલિયા અગાઉ એકવાર આ ખિતાબ જીતી ચૂક્યું છે અને હવે તેઓ બીજી વાર ચેમ્પિયન બનવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.
સ્ટાર ખેલાડીઓની વાપસી
કાંગારૂ ટીમમાં ફાસ્ટ બોલર પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને ટિમ ડેવિડની ઈજા બાદ વાપસી થઈ છે. કમિન્સ હાલમાં પીઠની ઈજામાંથી બહાર આવી રહ્યા છે, જ્યારે હેઝલવુડ એડી અને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે એશેજ શ્રેણીમાંથી બહાર રહ્યા હતા. ટિમ ડેવિડ પણ બિગ બેશ લીગ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાનો ભોગ બન્યા હતા. મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેલીએ આશા વ્યક્ત કરી છે કે ટુર્નામેન્ટ શરૂ થાય ત્યાં સુધીમાં આ ત્રણેય ખેલાડીઓ સંપૂર્ણ ફિટ થઈ જશે.
એશિયાની પીચોને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી
ભારત અને શ્રીલંકાની પરિસ્થિતિઓ અને પીચોને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્પિનરોનો વધુ સમાવેશ કરવામાં આવ્યો છે. મિશેલ માર્શ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે જોશ ઇંગ્લિસ ટીમમાં એકમાત્ર વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યું છે અને તેમની મેચો કોલંબો તથા પલ્લેકેલેમાં રમાશે.
વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમમાં નીચેના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
- મિશેલ માર્શ (કેપ્ટન)
- પેટ કમિન્સ
- જોશ હેઝલવુડ
- ટ્રેવિસ હેડ
- ગ્લેન મેક્સવેલ
- ટિમ ડેવિડ
- કેમરન ગ્રીન
- માર્કસ સ્ટોઈનિસ
- એડમ ઝમ્પા
- જોશ ઇંગ્લિસ (વિકેટકીપર)
- મેથ્યુ શોર્ટ
- નાથન એલિસ
- જેવિયર બાર્ટલેટ
- કૂપર કોનોલી
- મેથ્યુ કુહનેમન
