Akash Chopra Cricket Career:આકાશ ચોપરાનું જીવન આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે ક્રિકેટના મેદાન પર મોટી આંતરરાષ્ટ્રીય કારકિર્દી ન હોવા છતાં પોતાની આવડત અને મહેનતના બળે ખેલ જગતમાં કેવી રીતે સફળતાના શિખરે પહોંચી શકાય.
મેદાનથી માઈક સુધીની શાનદાર સફર
19 સપ્ટેમ્બર 1977ના રોજ આગ્રામાં જન્મેલા આકાશ ચોપરાએ તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીથી પૂરું કર્યું અને દિલ્હી યુનિવર્સિટીની પ્રખ્યાત હિન્દુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. શાળાના દિવસોથી જ ક્રિકેટ પ્રત્યે ઘેલછા ધરાવતા આકાશે દિલ્હીની અંડર-19 ટીમમાં સ્થાન બનાવીને પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત કરી હતી. સ્થાનિક ક્રિકેટમાં તેમણે દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનની ટીમો તરફથી રમીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી પણ રમી ચૂક્યા છે.
આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને ટીમ ઈન્ડિયાથી વિદાય
આકાશ ચોપરાએ ઓક્ટોબર 2003માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય આંતરરાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેમણે પ્રથમ ઇનિંગમાં 42 અને બીજી ઇનિંગમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ તેમની પસંદગી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે થઈ હતી. જોકે, 2004માં ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચમાં માત્ર 15 રન કરી શકતા તેઓ ટીમમાંથી બહાર થયા હતા. ભારત માટે તેમણે કુલ 10 ટેસ્ટ મેચ રમી જેમાં 437 રન નોંધાવ્યા હતા. સ્થાનિક ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવા છતાં તેમને ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવાનો ફરી તક મળી ન હતી.
કોમેન્ટ્રી અને ડિજિટલ સ્પેસમાં નવો ઇતિહાસ
બેટિંગમાંથી નિવૃત્તિ લીધા બાદ આકાશે માઈક સંભાળ્યું અને પોતાની અલગ હિન્દી કોમેન્ટ્રી શૈલીથી ચાહકોના દિલ જીતી લીધા. અગાઉ ESPNcricinfo માટે કોલમ લેખક તરીકે સેવા આપી ચૂકેલા આકાશ ચોપરા હાલમાં JioStar માટે અગ્રણી હિન્દી ક્રિકેટ કોમેન્ટેટર તરીકે કાર્યરત છે. કોમેન્ટ્રી સિવાય તેઓ એક સફળ યુટ્યુબર પણ છે.
અંગત જીવન અને આર્થિક સફળતા
આકાશ ચોપરાનું અંગત જીવન પણ અવારનવાર ચર્ચામાં રહે છે, તેમની પત્ની આકાશી માથુર પોતાની સ્ટાઈલિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર 10 ટેસ્ટ મેચ રમવા છતાં, આજે આકાશ ચોપરા તેમની સફળ કોમેન્ટ્રી કરિયર, યુટ્યુબ ચેનલ અને સ્પોન્સરશિપના દમ પર આશરે 70 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. આ સાથે જ પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તેમને દર મહિને આશરે 60 હજાર રૂપિયાનું પેન્શન પણ પ્રાપ્ત થાય છે.
