ભારત U19 માટે વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરનું ડેબ્યૂ, રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની 38 રનની તોફાની ઈનિંગ્સ

પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે અંડર-19 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. મેચ જોવા ખુદ પિતા સ્ટેડિયમ પહોંચ્યા હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 18 Sep 2026 05:43 PM (IST)Updated: Fri, 18 Sep 2026 05:43 PM (IST)
aaryavir-sehwag-debuts-for-india-u19-anvay-dravid-shines

Aaryavir U19 Debut: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ધુરંધર ઓપનર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગે 18 સપ્ટેમ્બરના રોજ ભારતની અંડર 19 ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યું છે. ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમ સામે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી અનઓફિશિયલ વનડે શ્રેણીના પ્રથમ મુકાબલામાં આર્યવીરે ભારતીય ટીમ માટે ઓપનિંગ કરતા 26 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા.

વરસાદના કારણે આ મેચ 20-20 ઓવરની કરવામાં આવી હતી. પોતાના પિતાની જેમ જ આર્યવીરે ચોગ્ગા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જોકે, સ્પ્રેન્સર ગ્રીનના બોલ પર કેસી બાર્ટનને કેચ આપી બેસતા તેમની ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

અન્વય દ્રવિડની ધમાકેદાર બેટિંગ

આ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ પણ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો. છઠ્ઠા નંબરે બેટિંગ કરવા ઉતરેલા અન્વયે એક ફિનિશરની શાનદાર ભૂમિકા ભજવતા 28 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. જ્યારે ટીમનો સ્કોર 88/4 હતો ત્યારે અન્વયે ક્રિઝ પર આવીને ધમાકેદાર ઈનિંગ્સ રમી ટીમના સ્કોરને 150ને પાર પહોંચાડ્યો હતો.

દીકરાની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો વીરેન્દ્ર સહેવાગ

આર્યવીરનો ડેબ્યૂ મુકાબલો જોવા માટે ખુદ વીરેન્દ્ર સહેવાગ રાજકોટના સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. સ્ટેડિયમમાં બેસીને પોતાના પુત્રની બેટિંગ નિહાળતા સહેવાગની તસવીરો પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી પ્રીમિયર લીગ (DPL) અને દિલ્હી અંડર 19 ટીમ માટે અદ્ભુત પ્રદર્શન કરીને આર્યવીરે પોતાની ક્ષમતા સાબિત કરી હતી, જેના આધારે તેને ભારતની જુનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. આર્યવીર વિરાટ કોહલીને પોતાના મનપસંદ બેટ્સમેન માને છે.

સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

  • 18 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર): પ્રથમ વનડે, રાજકોટ
  • 21 સપ્ટેમ્બર 2026 (સોમવાર): બીજી વનડે, રાજકોટ, સવારે 9 વાગ્યે
  • 23 સપ્ટેમ્બર 2026 (બુધવાર): બીજી મલ્ટી-ડે મેચ, અમદાવાદ બી ગ્રાઉન્ડ, સવારે 9:30 વાગ્યે