U19 Asia Cup: આ ભૂલને કારણે ભારતે ગુમાવી અંડર-19 એશિયા કપની ટ્રોફી, જાણો પાકિસ્તાન સામે હારના 4 મુખ્ય કારણો

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 347 રનનો સ્કોર ઉભો કર્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 22 Dec 2025 02:38 PM (IST)Updated: Mon 22 Dec 2025 02:38 PM (IST)
4-reasons-why-india-lost-under-19-asia-cup-final-against-pakistan-659985

U19 Asia Cup: દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 191 રનના વિશાળ અંતરથી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 347 રનનો સ્કોર ઉભો કર્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતી હોય.

સમીર મિન્હાસની તોફાની બેટિંગે ભારતને હંફાવ્યું
પાકિસ્તાનની જીતનો મુખ્ય હીરો ઓપનર સમીર મિન્હાસ રહ્યો હતો, જેણે માત્ર 113 બોલમાં 172 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. મિન્હાસ આ ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતો અને અગાઉ પણ 177 રન ફટકારી ચૂક્યો હતો. ભારતીય બોલરો તેની સામે લાચાર દેખાયા હતા અને તેને વહેલો આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જે હારનું એક મોટું કારણ બન્યું.

દબાણ હેઠળ ભારતીય બેટિંગ લાઇનઅપ ધરાશાયી
348 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતથી જ દબાણમાં દેખાઈ હતી. ટીમનો સ્કોર 49 રન થયો ત્યાં સુધીમાં 3 મહત્વની વિકેટો પડી ગઈ હતી. સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશી (26 રન) અને કેપ્ટન આયુષ મ્હાત્રે (2 રન) ફાઈનલના મોટા મંચ પર ફ્લોપ રહ્યા હતા. વિહાન મલ્હોત્રા અને અભિજ્ઞાન કુંડુ જેવા ફોર્મમાં રહેલા બેટ્સમેનો પણ સ્કોર બોર્ડના દબાણ સામે ટકી શક્યા નહીં.

ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો વિવાદાસ્પદ નિર્ણય
અંડર-19 એશિયા કપનો ઇતિહાસ જણાવે છે કે ફાઈનલમાં લક્ષ્યાંકનો પીછો કરવો ક્યારેય સરળ રહ્યો નથી. અગાઉ રમાયેલી 11 ફાઈનલમાંથી માત્ર બે જ વાર રન ચેઝ કરનાર ટીમ જીતી શકી છે. આમ છતાં ભારતીય ટીમ મેનેજમેન્ટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે આખરે ખોટો સાબિત થયો કારણ કે રન ચેઝ કરવાનું દબાણ ટીમને ભારે પડ્યું.

પાકિસ્તાની ઝડપી બોલરોનો કહેર
ભારતીય બેટ્સમેનો પાકિસ્તાનના પેસ એટેક સામે ટકી શક્યા નહોતા. પાકિસ્તાન માટે તમામ વિકેટો ઝડપી બોલરોએ લીધી હતી, જેમાં અલી રઝાએ 6.2 ઓવરમાં 4 વિકેટ ઝડપીને ભારતની કમર તોડી નાખી હતી. આ ઉપરાંત મોહમ્મદ સૈયમ, અબ્દુલ સુભાન અને હુઝૈફા અહસાન દરેકને 2-2 વિકેટ મળી હતી.