Vamana Jayanti 2026 Date: સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતારોની પૂજાનું વિશેષ મહત્વ છે. શ્રીમદ્ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ, ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર એટલે કે વામન અવતારના પ્રાગટ્ય દિવસને 'વામન જયંતિ' અથવા 'વામન દ્વાદશી' તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2026 માં આ પવિત્ર તહેવાર સપ્ટેમ્બર મહિનામાં ઉજવાશે.
વામન જયંતિ 2026: તારીખ અને તિથિ
હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની બારસ (દ્વાદશી) ના દિવસે વામન જયંતિ ઉજવવામાં આવે છે. વર્ષ 2026 માં આ તહેવાર 23 સપ્ટેમ્બર, બુધવારના રોજ મનાવવામાં આવશે. શાસ્ત્રો મુજબ, ભગવાન વામનનો જન્મ શ્રવણ નક્ષત્ર અને અભિજિત મુહૂર્ત દરમિયાન થયો હતો.
શુભ મુહૂર્ત અને સમય
- દ્વાદશી તિથિ પ્રારંભ: 22 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાત્રે 09:43 વાગ્યે.
- દ્વાદશી તિથિ સમાપન: 23 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાત્રે 10:50 વાગ્યે.
- શ્રવણ નક્ષત્ર: 22 સપ્ટેમ્બરના રોજ સવારે 07:06 વાગ્યાથી શરૂ થઈને 23 સપ્ટેમ્બરના રોજ સવારે 09:09 વાગ્યા સુધી રહેશે.
વામન જયંતિ પૂજાવિધિ
આ દિવસે ભક્તો સવારે વહેલા ઊઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે અને ભગવાન વામનની આરાધના કરે છે. પૂજાની શાસ્ત્રોક્ત વિધિ નીચે મુજબ છે:
મૂર્તિ સ્થાપના: વ્રત કરનાર ભક્તોએ ભગવાન વામનની મૂર્તિ અથવા ચિત્રને પૂર્વ દિશામાં મુખ રહે તેમ સ્થાપિત કરવું જોઈએ. મૂર્તિને લીલા રંગના વસ્ત્ર પર મૂકવી શુભ માનવામાં આવે છે. જે લોકો સામર્થ્ય ધરાવતા હોય તેઓ સોનાની મૂર્તિ બનાવીને પંચોપચાર પૂજા કરી શકે છે.
દાનનું મહત્વ: પૂજા કર્યા બાદ ફળો, ચોખા અને દહીંનું દાન કરવું અત્યંત લાભદાયી માનવામાં આવે છે.
સાંજે કથા અને પ્રસાદ: સાંજના સમયે ભક્તો ફરીથી પૂજા કરે છે અને વામન અવતારની કથાનું શ્રવણ કરે છે. ત્યારબાદ પરિવાર અને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
