Surya Grahan 2026 Time and Sutak Kaal: સનાતન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતા ફાલ્ગુન મહિનાની અમાવસ્યાના દિવસે આજે વર્ષ 2026નું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ આ ઘટના અત્યંત મહત્વની માનવામાં આવે છે. ફાલ્ગુન અમાવસ્યાએ પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે આ દિવસે ગ્રહણની ઉપસ્થિતિ કુતૂહલ જગાવી રહી છે.
સૂર્યગ્રહણનો સમય અને સૂતક કાળ
વૈદિક પંચાંગ અનુસાર, વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ આજે, 17 ફેબ્રુઆરીએ બપોરે 3:26 વાગ્યે શરૂ થશે અને સાંજે 7:57 વાગ્યે પૂર્ણ થશે. સામાન્ય રીતે સૂર્યગ્રહણના 12 કલાક પૂર્વે સૂતક કાળ શરૂ થઈ જતો હોય છે, જેમાં ધાર્મિક કાર્યો પર મનાઈ હોય છે.
શું ભારતમાં દેખાશે આ ગ્રહણ?
ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આ સૂર્યગ્રહણ ભારતમાં દ્રશ્યમાન થવાનું નથી. ભારતમાં ગ્રહણ દેખાવાનું ન હોવાથી અહીં તેનો 'સૂતક કાળ' માન્ય રહેશે નહીં. આથી, શ્રદ્ધાળુઓ દૈનિક પૂજા-પાઠ અને અમાવસ્યાના ધાર્મિક વિધિઓ રાબેતા મુજબ કરી શકશે. જોકે, જ્યોતિષીય દૃષ્ટિએ કેટલીક સાવચેતી રાખવી હિતાવહ માનવામાં આવે છે.
ગ્રહણ દરમિયાન પાળવાના નિયમો
- ગ્રહણ પહેલા ખાણી-પીણીની વસ્તુઓમાં તુલસીના પાન રાખવા જોઈએ જેથી તેના પર અશુભ પ્રભાવ ન પડે.
- સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
- ગ્રહણના સમયગાળા દરમિયાન સોય, કાતર કે છરી જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
- ગ્રહણ દરમિયાન મૂર્તિ સ્પર્શ કે બાહ્ય પૂજા વર્જિત છે, પરંતુ માનસિક મંત્ર જાપ કરી શકાય છે. ગ્રહણ બાદ સ્નાન કરી, ઘર-મંદિરની સફાઈ કર્યા પછી દાન કરવાનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે.
