Kevda Teej 2026 Date: ગુજરાતની ધાર્મિક સંસ્કૃતિમાં સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા વ્રતોમાં 'કેવડા ત્રીજ'નું વિશેષ મહત્વ છે. ભાદરવા સુદ ત્રીજના રોજ ઉજવાતું આ પવિત્ર પર્વ વર્ષ 2026 માં સપ્ટેમ્બર માસમાં આવશે. અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે કરવામાં આવતા આ વ્રતની તારીખો અને વિગતો નીચે મુજબ છે.
કેવડા ત્રીજ 2026 તારીખ અને શુભ મુહૂર્ત (Kevada Teej 2026 Date)
વર્ષ 2026 માં કેવડા ત્રીજ (હરતાલિકા તીજ) 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ઉજવવામાં આવશે.
- તિથિનો પ્રારંભ: 13 સપ્ટેમ્બર, સવારે 07:08 વાગ્યે.
- તિથિની પૂર્ણાહુતિ: 14 સપ્ટેમ્બર, સવારે 07:06 વાગ્યે.
- વ્રતની તારીખ: ઉદયાતિથિના નિયમ અનુસાર, આ વ્રત 14 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે.
- પૂજા મુહૂર્ત: 14 સપ્ટેમ્બરના રોજ સવારે 06:06 થી 07:06 વાગ્યા સુધી (કુલ 1 કલાકનો સમયગાળો).
કેવડા ત્રીજનું મહત્વ (Kevada Teej Significance)
કેવડા ત્રીજનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ એમ બંને દ્વારા કરવામાં આવે છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે, જ્યારે અપરિણીત યુવતીઓ ભગવાન શિવ જેવા સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે આ વ્રતનું પાલન કરે છે. શાસ્ત્રો મુજબ, સ્વયં માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે આ કઠોર તપ કર્યું હતું.
કેવડા ત્રીજ પૂજા વિધિ (Kevada Teej Puja Vidhi)
આ વ્રત અત્યંત કઠિન માનવામાં આવે છે, જેની વિધિ નીચે મુજબ છે:
- નિર્જળા ઉપવાસ: વ્રતધારી સ્ત્રીઓ આ દિવસે 'નકોરડો ઉપવાસ' કરે છે, એટલે કે અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરીને નિર્જળા રહે છે.
- કેવડાનું મહત્વ: સામાન્ય રીતે ભગવાન શિવને કેવડો ચડાવવામાં આવતો નથી, પરંતુ વર્ષમાં માત્ર આ એક જ દિવસે ભોળાનાથને કેવડાનું ફૂલ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે. સ્ત્રીઓ વારંવાર કેવડાને સૂંઘીને શિવનું સ્મરણ કરે છે.
- જાગરણ: રાત્રે શિવ-પાર્વતીની પૂજા અને આરતી બાદ વ્રત કથાનું પઠન કરવામાં આવે છે. બીજા દિવસે સવારે સૂર્યોદય બાદ પૂજા કરીને વ્રતનું પારણું કરવામાં આવે છે.
કેવડા ત્રીજ વ્રત કથા (Kevada Teej Vrat Katha)
આ વ્રતનું વર્ણન ભવિષ્ય પુરાણના ઉત્તરભાગમાં શિવ-પાર્વતીના સંવાદના રૂપમાં જોવા મળે છે. કથા અનુસાર, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના દેહની આહુતિ આપ્યા પછી જ્યારે તેમણે ફરી અવતાર ધારણ કર્યો, ત્યારે શિવજીને પામવા માટે તેમણે કયું વ્રત કર્યું હતું.
ભગવાન ભોળાનાથે ત્યારે કહ્યું કે, હે દેવી! બીજો અવતાર ધારણ કર્યા પછી તમે બાળપણથી જ મારું રટણ કરતા હતા. એકવાર નારદમુનિએ તમારા પિતા હિમાલય સમક્ષ મારી ખૂબ પ્રશંસા કરી હતી, જેનાથી તમે મનોમન ખૂબ ખુશ થયા હતા. પરંતુ જ્યારે નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું સૂચવ્યું, ત્યારે તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા હતા.
તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનું વિચારી રહ્યા હતા, ત્યારે તમે ખૂબ મુંઝાયા હતા. આ મુંઝવણ દૂર કરવા તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા. વનમાં તમને માટીનો ઢગલો મળ્યો અને બાળકની જેમ તમે તેની સાથે રમવા લાગ્યા. તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું. ત્યારબાદ તમે વનમાંથી કેવડાના ફૂલો, અન્ય વનફૂલો અને વનસ્પતિ લાવીને મને ખૂબ ભાવપૂર્વક ચડાવ્યા. તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી, અને તમે આખો દિવસ કંઈ પણ ખાધા-પીધા વિના ‘નકોરડો ઉપવાસ’ કર્યો હતો, પાણી પણ નહોતું પીધું.
ભગવાન શિવ કહે છે કે આમ તો મને કેવડો નથી ચડતો, પરંતુ તમારા ભાવને કારણે તે દિવસે ચડાવેલો કેવડો મેં સ્વીકાર્યો હતો અને હું પ્રસન્ન થયો હતો. મેં તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે, ‘હે ભોળાનાથ! જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોઉં તો તમે જ મારા પતિ બનો.’ અને મેં તમને ‘તથાસ્તુ’ કહી દીધું હતું.
ભગવાન શિવે આગળ જણાવ્યું કે, તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ થાકીને સૂઈ ગયા હતા. જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા અને જંગલમાં સૂતા જોઈને ખુશ થયા. તેમણે તમને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તમે સંકોચ વિના કહ્યું હતું કે તમે શુદ્ધ મનથી તેમને (શિવને) વરી ચૂક્યા છો. હે દેવી, તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો. આ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા.
વ્રતનું ફળ ભગવાન શિવના કહેવા મુજબ, આમ તો તેમની પૂજા બિલિપત્રથી જ થાય છે, પરંતુ જે દિવસથી માતા પાર્વતીએ કેવડો ચડાવ્યો, ત્યારથી કેવડો પણ તેમને પ્રિય છે. ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે ભગવાન શિવની પૂજા કરશે, તેના બધા જ મનોરથ પૂર્ણ થશે. આ વ્રત ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યું છે, જે સ્ત્રીઓને સુખમય દાંપત્ય જીવન અને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે.
