Premanand Maharaj: વૃંદાવનમાં વસતા પ્રેમાનંદ મહારાજ પોતાના વિચારો થકી યુવાનોને પ્રેરણા આપતા રહે છે. તેમને સાંભળવા માટે માત્ર દેશમાંથી જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ વૃંદાવન આવતા રહે છે. આ દરમિયાન ઘણાં ભક્તો પોતાના પ્રશ્નો પૂછીને પ્રેમાનંદ મહારાજ પાસે તેનો જવાબ માંગે છે. જેનો મહારાજ ખૂબ જ સરળતાથી જવાબ પણ આપે છે. તાજેતરમાંજ એક ભક્તએ જન્મદિનને લઈને પ્રશ્ન પૂછ્યો હતો કે, આપણે જન્મદિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ?
આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, જો તમારો જન્મદિન હોય, તો તે દિવસને ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉત્સવની જેમ મનાવવો જોઈએ. જો કે આ દિવસે સાચી ભાવનાથી ઓછામાં ઓછા બે કલાક તમારા અનુકુળ સમયે ભજન-કીર્તન કરવા જોઈએ. આ સાથે જ ભગવાનને ભોગ ધરાવો અને લોકોને પ્રસાદ આપો.
વૃદ્ધોની સેવા કરો: વધુમાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, જો તમારો જન્મદિન હોય અને તમારી પાસે પૈસા હોય અથવા તમારી આર્થિક સ્થિતિ સારી હોય, તો વૃદ્ધાશ્રમ જતા રહો. જ્યાં એવા લોકોને કપડાની સાથે-સાથે સારૂં ભોજન, ફળ-ફળાદી આપો.
માંસ-મદિરાથી દૂર રહો: મહારાજે જણાવ્યું કે, જે લોકો પોતાના જન્મદિને દારૂ પીવા અને માંસ ખાય છે અને આખો દિવસ નશામાં ધૂત રહે છે. મને લાગે છે કે, આવા લોકો પોતાનું જીવન બરબાદ કરવાની દિશામાં જઈ રહ્યા છે. ખાસ કરીને આ દિવસે તો તમારે માંસ અને મદિરાથી દૂર જ રહેવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ મદિરા સેવનને પાપની શ્રેણીમાં રાખવામાં આવી છે.
ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરો: મહારાજ કહે છે કે, જન્મદિને ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવા કપડા, ભોજન કે પૈસા આપી શકો છો. આમ કરવાથી ચોક્કસ તમારો જન્મદિન સફળ થશે. જન્મદિને ગાયની સેવા, સંત સેવા, અતિથિ સેવા, અનાથ સેવા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ.
