Bhai Dooj 2026 Date and Time: દિવાળીના મહાપર્વની પૂર્ણાહુતિ ભાઈબીજના પવિત્ર તહેવાર સાથે થાય છે. રક્ષાબંધનની જેમ જ આ તહેવાર પણ ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. આ વર્ષે ભાઈબીજ (યમ દ્વિતીયા) 11 નવેમ્બર 2026 ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે માન્યતા છે કે આ દિવસે બહેનના હાથે તિલક કરાવવાથી ભાઈને યમલોકના ભયમાંથી મુક્તિ મળે છે અને અકાળ મૃત્યુનો ભય ટળે છે.
ભાઈબીજ 2026 તિથિ અને તિલકનું શુભ મુહૂર્ત
હિન્દુ પંચાંગ અનુસાર, કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ભાઈબીજ ઉજવવામાં આવે છે. આ વર્ષે મુહૂર્તની વિગતો નીચે મુજબ છે:
- તિથિ પ્રારંભ: 10 નવેમ્બર, મંગળવારના રોજ બપોરે 2:00 વાગ્યે.
- તિથિ સમાપ્ત: 11 નવેમ્બર, બુધવારના રોજ બપોરે 03:53 વાગ્યે.
- તિલક માટે શ્રેષ્ઠ મુહૂર્ત: 11 નવેમ્બરના રોજ બપોરે 01:30 થી 03:43 વાગ્યા સુધી.
- મુહૂર્તનો સમયગાળો: 02 કલાક અને 13 મિનિટ.
યમ દ્વિતીયા અને પૌરાણિક મહત્વ
ભાઈબીજને 'યમ દ્વિતીયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, સૂર્યદેવના સંતાનો યમ અને યમુના વચ્ચે અપાર સ્નેહ હતો. એકવાર કાર્તિક સુદ બીજના દિવસે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા. યમુનાએ તેમનું સ્વાગત કર્યું, તિલક કર્યું અને ભોજન જમાડ્યું. પ્રસન્ન થઈને યમરાજે વરદાન આપ્યું હતું કે, 'જે ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જઈને તિલક કરાવશે અને ભોજન લેશે, તેને યમનો ભય નહીં રહે અને તે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરશે.'
આ પણ વાંચો
આ કારણે જ આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનું અને બહેનના ઘરે જમવાનું વિશેષ મહાત્મ્ય છે.
ભાઈબીજ પૂજા વિધિ
ભાઈબીજના દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસરવાથી વિશેષ ફળ મળે છે. પૂજાની સરળ રીત નીચે મુજબ છે:
- બહેનોએ સવારે વહેલા ઉઠી સ્નાન કરવું અને વ્રતનો સંકલ્પ લેવો.
- પૂજા સ્થાન પર બાજોઠ ગોઠવી તેના પર કળશ અને દીવો સ્થાપિત કરવો.
- ભાઈને આસન પર બેસાડી તેના કપાળ પર કંકુ અને ચોખાનું તિલક કરવું.
- ત્યારબાદ ભાઈને નાડાછડી (કલાવા) બાંધવી અને આરતી ઉતારવી.
- ભાઈને મીઠાઈ ખવડાવવી અને બહેને પોતાના હાથે બનાવેલું ભોજન જમાડવું.
- ભાઈએ બહેનને યથાશક્તિ ભેટ આપવી અને તેના આશીર્વાદ લેવા.

