Ravi Pushya Nakshatra 2026: દિવાળી પહેલાં ખરીદી અને નવા કામની શરૂઆત કરવા માટે 1 નવેમ્બર, રવિવારનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ દિવસે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ શુભ સંયોગમાં સોના-ચાંદી, વાહન, મકાન, જમીન સહિતની વસ્તુઓ ખરીદવી અને નવો વ્યવસાય શરૂ કરવો શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ રવિ પુષ્ય નક્ષત્રનું મહત્વ, ખરીદી માટેના શુભ મુહૂર્ત અને આ દિવસે કઈ વસ્તુઓ ખરીદવી લાભદાયી માનવામાં આવે છે.
રવિ પુષ્ય નક્ષત્ર 2026: તારીખ અને શુભ મુહૂર્ત
વર્ષ 2026માં રવિ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ 1 નવેમ્બર, રવિવારના રોજ બની રહ્યો છે. આ દિવસે કારતક વદ સાતમની તિથિ પણ છે. ગુજરાતી પંચાંગ અનુસાર, પુષ્ય નક્ષત્ર 2 નવેમ્બરની વહેલી સવારે લગભગ 4:30 વાગ્યા સુધી રહેશે. આ દિવસે ખરીદી, પૂજા અને નવા કામની શરૂઆત માટે નીચેના શુભ સમય ધ્યાનમાં રાખી શકાય છે.
મુખ્ય શુભ સમય
રવિ પુષ્ય નક્ષત્ર: 1 નવેમ્બરના રોજ, 2 નવેમ્બરની સવારે લગભગ 4:30 વાગ્યા સુધી.
અભિજિત મુહૂર્ત: બપોરે 12:00 થી 12:45 વાગ્યા સુધી.
ગોધૂલી મુહૂર્ત: સાંજે 5:37 થી 6:25 વાગ્યા સુધી.
સૂર્યોદય: સવારે 6:44 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 6:01 વાગ્યે.
ખરીદી માટેના ચોઘડિયા
- ચર: સવારે 8:09 થી 9:33 વાગ્યા સુધી.
- લાભ: સવારે 9:33 થી 10:58 વાગ્યા સુધી.
- અમૃત: સવારે 10:58 થી બપોરે 12:23 વાગ્યા સુધી.
- શુભ: બપોરે 1:47 થી 3:12 વાગ્યા સુધી.
રાત્રિના ચોઘડિયામાં
- શુભ: સાંજે 6:01 થી 7:37 વાગ્યા સુધી
- અમૃત: સાંજે 7:37 થી 9:13 વાગ્યા સુધી
- ચર: રાત્રે 9:13 થી 10:48 વાગ્યા સુધી.
રવિ પુષ્ય નક્ષત્રનું મહત્વ
જ્યોતિષશાસ્ત્રમાં કુલ 27 નક્ષત્રો જણાવવામાં આવ્યાં છે. તેમાં પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પુષ્યનો અર્થ પોષણ અને વૃદ્ધિ થાય છે. માન્યતા અનુસાર, આ નક્ષત્રમાં કરવામાં આવેલાં શુભ કાર્યો લાંબા સમય સુધી લાભ અને સ્થિરતા આપે છે.
જ્યારે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવે છે, ત્યારે તેને રવિ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. રવિવારના સ્વામી સૂર્યદેવ છે, જે માન-સન્માન, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને પ્રતિષ્ઠાના કારક માનવામાં આવે છે. જ્યારે પુષ્ય નક્ષત્રના અધિષ્ઠાતા દેવ ગુરુ બૃહસ્પતિ છે અને તેના સ્વામી શનિદેવ માનવામાં આવે છે.
આ રીતે રવિવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ ખરીદી, રોકાણ, વેપાર અને નવા કામની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દિવાળી પહેલાં આ યોગ આવતો હોવાથી સોના-ચાંદી, વાહન અને મિલકતની ખરીદી કરવાનું ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે.
રવિ પુષ્ય નક્ષત્રમાં શું-શું ખરીદવું શુભ માનવામાં આવે છે?
સોના-ચાંદી અને ઘરેણાં
રવિ પુષ્ય નક્ષત્રમાં સોનાના દાગીના, ચાંદીના સિક્કા, લક્ષ્મી-ગણેશના ચિત્રવાળા સિક્કા અને ચાંદીના વાસણો ખરીદવા શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદેલી કિંમતી ધાતુઓ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે તેવી ધાર્મિક માન્યતા છે. આ ઉપરાંત મોતી, હીરો અને પન્ના જેવા રત્નોની ખરીદી પણ કરી શકાય છે.
વાહનોની ખરીદી
આ દિવસે નવી કાર, બાઈક, સ્કૂટર, ઇલેક્ટ્રિક વાહન અથવા ટ્રેક્ટરની બુકિંગ કરાવી શકાય છે. જો વાહનની ડિલિવરી લેવાની યોજના હોય, તો શુભ ચોઘડિયા અને રાહુકાળનું ધ્યાન રાખવું. શક્ય હોય તો સૂર્યાસ્ત પહેલાં વાહનની ડિલિવરી લેવી.
જમીન, મકાન અને મિલકત
રવિ પુષ્ય નક્ષત્રને સ્થિરતા સાથે જોડવામાં આવે છે. તેથી આ દિવસે નવો પ્લોટ, ફ્લેટ, મકાન કે દુકાન ખરીદવી શુભ માનવામાં આવે છે. મિલકતની બુકિંગ, ટોકન મની આપવી, એગ્રીમેન્ટ કરવું અને રજિસ્ટ્રીની પ્રક્રિયા શરૂ કરવા માટે પણ આ દિવસ પસંદ કરી શકાય છે.
ઇલેક્ટ્રોનિક્સ અને ઘરવપરાશની વસ્તુઓ
દિવાળી પહેલાં ઘરની ખરીદી કરવાનું આયોજન હોય તો ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, એસી, લેપટોપ, મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદી શકાય છે. આ ઉપરાંત ફર્નિચર, રસોડાનાં ઉપકરણો અને ઘરની સજાવટની વસ્તુઓ લેવી પણ શુભ માનવામાં આવે છે.
પૂજા સામગ્રી અને ધાર્મિક વસ્તુઓ
દિવાળીની પૂજા માટે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ, શ્રી યંત્ર, શિવલિંગ, પિત્તળ કે તાંબાના દીવા, પૂજાનાં વાસણો અને ધાર્મિક પુસ્તકો ખરીદી શકાય છે. આ દિવસે પૂજાની નવી સામગ્રી લાવવી પણ શુભ માનવામાં આવે છે.
વેપાર માટે જરૂરી વસ્તુઓ
વેપારીઓ માટે આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે. નવા ચોપડા, ખાતાવહી, કલમ, દવાત અને દુકાન કે ઓફિસમાં ઉપયોગી વસ્તુઓ ખરીદી શકાય છે. દિવાળીના ચોપડા પૂજન માટે નવી ખાતાવહીની શરૂઆત કરવી અને નવા વ્યવસાયની યોજના બનાવવી શુભ માનવામાં આવે છે.
રવિ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનું કેમ શુભ માનવામાં આવે છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે અને તેમાં વૃદ્ધિ થાય છે. આ નક્ષત્રને સમૃદ્ધિ, પોષણ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી લોકો આ દિવસે સોના-ચાંદીથી લઈને વાહન અને મિલકત સુધીની ખરીદી કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને દિવાળી પહેલાં રવિ પુષ્ય નક્ષત્ર આવતું હોવાથી વેપારીઓ નવા ચોપડા ખરીદે છે અને નવા વ્યવસાયની શરૂઆત કરે છે. જોકે, આ તમામ બાબતો ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે
