Narak Chaturdashi 2026: નરક ચતુર્દશીએ ભગવાન શ્રીકૃષ્ણે 16,100 કન્યાઓને કેમ કરાવી હતી મુક્ત? જાણો નરકાસુરના વધની પૌરાણિક કથા

નરક ચતુર્દશીનું ભગવાન શ્રીકૃષ્ણ અને નરકાસુરના વધ સાથે ખાસ જોડાણ છે. જાણો નરકાસુર કોણ હતો, તેણે હજારો કન્યાઓને કેમ કેદ કરી હતી અને શ્રીકૃષ્ણે કેવી રીતે તેનો અંત કર્યો હતો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 07 Nov 2026 10:10 AM (IST)Updated: Sat, 07 Nov 2026 10:10 AM (IST)
narak-chaturdashi-why-lord-krishna-killed-narakasura-and-freed-16000-girls-story
AI PHOTO

Narak Chaturdashi 2026: દિવાળીના પર્વમાં નરક ચતુર્દશીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસ માત્ર દીવા પ્રગટાવવા કે વહેલી સવારે અભ્યંગ સ્નાન કરવાની પરંપરા પૂરતો સીમિત નથી, પરંતુ તેની પાછળ ભગવાન શ્રીકૃષ્ણના પરાક્રમની એક રસપ્રદ પૌરાણિક કથા પણ જોડાયેલી છે. માન્યતા અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણે અત્યાચારી નરકાસુરનો વધ કરીને હજારો કન્યાઓને તેની કેદમાંથી મુક્ત કરાવી હતી. આ યુદ્ધમાં તેમની પત્ની સત્યભામાની ભૂમિકા પણ ખાસ ચર્ચામાં રહે છે. તો ચાલો જાણીએ નરકાસુર કોણ હતો અને તેની સાથે નરક ચતુર્દશીનો સંબંધ શું છે.

કોણ હતો નરકાસુર અને શા માટે બન્યો હતો અત્યાચારી?

પૌરાણિક કથાઓ અનુસાર, નરકાસુરને ભૌમાસુર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભૂદેવી એટલે કે પૃથ્વી માતાનો પુત્ર હતો અને પ્રાગજ્યોતિષપુર નામના રાજ્ય પર શાસન કરતો હતો. શરૂઆતમાં તે શક્તિશાળી શાસક હતો, પરંતુ સમય જતાં તેની અંદર સત્તા અને શક્તિનું અભિમાન વધવા લાગ્યું. પોતાની શક્તિના ઘમંડમાં તેણે અનેક રાજાઓ અને દેવતાઓને પરેશાન કરવાનું શરૂ કર્યું.

નરકાસુરે અનેક રાજાઓની કન્યાઓનું અપહરણ કરીને તેમને પોતાના મહેલમાં કેદ કરી રાખી હતી. આ ઉપરાંત તેણે દેવરાજ ઇન્દ્ર પાસેથી વરુણનું છત્ર અને માતા અદિતિના દિવ્ય કુંડળ પણ છીનવી લીધાં હતાં. તેના વધતા અત્યાચારોથી દેવતાઓ અને રાજાઓ પરેશાન થઈ ગયા હતા. અંતે દેવરાજ ઇન્દ્ર ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા અને નરકાસુરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની વિનંતી કરી હતી

શ્રીકૃષ્ણ અને સત્યભામા કેવી રીતે પહોંચ્યાં નરકાસુરના નગરમાં?

દેવતાઓની વિનંતી સ્વીકારીને ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો અંત કરવાનો નિર્ણય લીધો. આ યુદ્ધમાં તેમની પત્ની સત્યભામા પણ તેમની સાથે ગયાં હતાં. બંને ગરુડ પર સવાર થઈને નરકાસુરના રાજ્ય પ્રાગજ્યોતિષપુર પહોંચ્યાં હતાં.

નરકાસુરનું નગર મજબૂત કિલ્લેબંધી અને અનેક સુરક્ષા વ્યવસ્થાઓથી ઘેરાયેલું હતું. શ્રીકૃષ્ણે એક પછી એક તમામ અવરોધો પાર કર્યા. આ દરમિયાન તેમણે નરકાસુરના સેનાપતિ મુર અને તેની સેનાનો પણ સંહાર કર્યો. અંતે નરકાસુર પોતે યુદ્ધના મેદાનમાં આવ્યો અને શ્રીકૃષ્ણ સાથે ભીષણ યુદ્ધ થયું.

શ્રીમદ્ ભાગવત પુરાણના દસમા સ્કંધના 59મા અધ્યાય પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સુદર્શન ચક્રથી નરકાસુરનો વધ કર્યો હતો. જોકે, લોકપ્રચલિત માન્યતાઓમાં સત્યભામાની ભૂમિકાને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. કેટલીક કથાઓ અનુસાર, સત્યભામાને ભૂદેવીનો અંશ માનવામાં આવે છે અને નરકાસુરનો અંત તેમની સાથે જોડાયેલી માતૃશક્તિની કથા દ્વારા સમજાવવામાં આવે છે.

16,100 કન્યાઓને શ્રીકૃષ્ણે કેવી રીતે અપાવી મુક્તિ?

નરકાસુરનો વધ કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ તેના મહેલમાં પહોંચ્યા હતા. ત્યાં તેમને મોટી સંખ્યામાં કન્યાઓ કેદમાં જોવા મળી હતી. શ્રીમદ્ ભાગવત પુરાણમાં 16 હજાર કન્યાઓનો ઉલ્લેખ મળે છે, જ્યારે વિષ્ણુ પુરાણમાં તેમની સંખ્યા 16,100 જણાવવામાં આવી છે.

આ તમામ કન્યાઓને શ્રીકૃષ્ણે નરકાસુરની કેદમાંથી મુક્ત કરાવી હતી. ત્યારબાદ તેમને સન્માનપૂર્વક દ્વારકા મોકલવામાં આવી હતી. પૌરાણિક કથા અનુસાર, આ કન્યાઓએ સામાજિક અપમાન અને અસ્વીકારના ડરથી શ્રીકૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભગવાને તેમનો સ્વીકાર કર્યો હતો.

આ જ યુદ્ધ પછી ભગવાન શ્રીકૃષ્ણે માતા અદિતિના કુંડળ પણ તેમને પાછાં અપાવ્યાં હતાં. આ રીતે નરકાસુરના અત્યાચારનો અંત આવ્યો અને અનેક લોકોને તેની કેદમાંથી મુક્તિ મળી.

નરક ચતુર્દશીનું નરકાસુરના વધ સાથે શું છે જોડાણ?

ધાર્મિક માન્યતા અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે નરકાસુરનો વધ થયો હતો. આથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઓળખાયો. તેને રૂપ ચૌદશ અને નાની દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે.

નરકાસુરના વધથી લોકોને તેના અત્યાચારમાંથી મુક્તિ મળી હતી. આ ખુશીમાં દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ દિવસ બુરાઈ પર અચ્છાઈની જીત અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ દિવસે વહેલી સવારે અભ્યંગ સ્નાન કરવું, ઘરમાં દીવા પ્રગટાવવા અને ભગવાનની પૂજા કરવાની પરંપરા પણ છે.

આમ, નરક ચતુર્દશી માત્ર દિવાળીના આગમનનો દિવસ નથી, પરંતુ અન્યાય અને અહંકારનો અંત કરીને ધર્મ અને સત્યની સ્થાપનાનો સંદેશ આપતો પર્વ પણ છે.