મોરારીબાપુનો નૂતન વર્ષ સંદેશ: યુદ્ધાય નહીં હવે બુદ્ધાય બનવાનો સમય છે

દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે લોકપ્રિય કથાકાર પૂજ્ય મોરારીબાપુએ ચિત્રકૂટધામ, તલગાજરડાથી સમસ્ત વિશ્વના કલ્યાણ અને શાંતિ માટે હાર્દિક પ્રાર્થના કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 07 Nov 2026 08:29 AM (IST)Updated: Sat, 07 Nov 2026 08:29 AM (IST)
morari-bapus-deep-diwali-and-new-year-message-for-global-peace

Morari Bapu New Year message:દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે લોકપ્રિય કથાકાર પૂજ્ય મોરારીબાપુએ ચિત્રકૂટધામ, તલગાજરડાથી સમસ્ત વિશ્વના કલ્યાણ અને શાંતિ માટે હાર્દિક પ્રાર્થના કરી છે. તેમણે આજના અશાંતિ અને સંઘર્ષયુક્ત સમયમાં માનવતાને નવો રાહ ચીંધતો હૃદયસ્પર્શી સંદેશ પાઠવ્યો છે.

બાપુએ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે સૌ દેશવાસીઓને દિવાળી અને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આપણા ઋષિઓની દૃષ્ટિ આદિકાળથી અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાની રહી છે. અંધકાર, અવિદ્યા, મોહ અને અહંકાર જેવી આસુરી સંપદામાંથી મુક્ત થઈને વિવેક, જ્ઞાન, વિચાર, પ્રેમ અને કરુણા જેવા શાશ્વત પ્રકાશ તરફ આગળ વધવું એ જ સાચો ઉત્સવ છે.

આજના વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ચિંતા વ્યક્ત કરતા બાપુએ ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી કે, સમગ્ર સંસારમાંથી સંઘર્ષો શમે, ચાલી રહેલા યુદ્ધો શાંત થાય, પરસ્પર સંવાદનું પવિત્ર વાતાવરણ સર્જાય અને માનવજાત કોઈ પણ જાતના ભેદભાવ વગર એકબીજાનો સ્વીકાર કરતી થાય. ‘સ્વીકાર’ એ જીવનનો મહામંત્ર છે તેમ તેમણે વિશેષ ભારપૂર્વક જણાવ્યું હતું.

મહાભારતના સંદર્ભને વર્તમાન સમય સાથે જોડતા બાપુએ એક ખૂબ જ સુંદર અને સમયোপયોગી વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભગવાન કૃષ્ણે અર્જુનને યુદ્ધાય કૃતનિશ્ચય (યુદ્ધનો નિર્ણય કર) કહ્યું હતું જે તે સમયની પરિસ્થિતિ અનુસાર હતું. પરંતુ જો આજની પરિસ્થિતિમાં કૃષ્ણ પ્રગટે તો કદાચ તેઓ એમ કહે કે હે અર્જુન, હવે યુદ્ધાય નહીં પરંતુ બુદ્ધાય કૃતનિશ્ચય—એટલે કે શાંતિ, કરુણા અને જ્ઞાનના પ્રતીક એવા બુદ્ધ બનવાનો નિર્ણય કરો.હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરતા બાપુએ સૌ દર્શકો, શ્રોતાઓ અને વાચકોને નૂતન વર્ષના મંગલ પ્રભાતે વંદન અને પ્રણામ પાઠવ્યા હતા.