Ekadashi in November 2026: હિંદુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. નવેમ્બર 2026માં બે એકાદશી આવશે, જેમાં રમા એકાદશી અને દેવઉઠી એકાદશીનો સમાવેશ થાય છે. આ વખતે દેવઉઠી એકાદશીની તારીખ સ્માર્ત અને વૈષ્ણવ પરંપરા પ્રમાણે અલગ છે. તો ચાલો જાણીએ નવેમ્બર મહિનાની બંને એકાદશીની તારીખ, તિથિ, વ્રત અને પારણાની સંપૂર્ણ વિગતો.
નવેમ્બર 2026માં એકાદશીની તારીખ અને પારણાનો સમય
નવેમ્બર મહિનામાં કુલ બે મુખ્ય એકાદશી આવશે. રમા એકાદશી અને દેવઉઠી એકાદશી. દેવઉઠી એકાદશીનું વ્રત સ્માર્ત અને વૈષ્ણવ પરંપરા પ્રમાણે અલગ-અલગ દિવસે રાખવામાં આવશે.
રમા એકાદશી (Rama Ekadashi)
- તારીખ: 5 નવેમ્બર 2026, ગુરુવાર
- તિથિ: આસો વદ અગિયારસ
- એકાદશી તિથિ શરૂ: 4 નવેમ્બરે સવારે 11:04 વાગ્યે
- એકાદશી તિથિ પૂર્ણ: 5 નવેમ્બરે સવારે 10:36 વાગ્યે
- પારણાની તારીખ: 6 નવેમ્બર 2026, શુક્રવાર
- પારણાનો સમય: સવારે 6:47 થી 9:02 વાગ્યા સુધી.
રમા એકાદશી 2026: તારીખ અને ધાર્મિક મહત્ત્વ
રમા એકાદશીનું વ્રત 5 નવેમ્બર 2026, ગુરુવારના રોજ રાખવામાં આવશે. આ એકાદશી આસો મહિનાના વદ પક્ષમાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા અને આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, રમા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ એકાદશીનું નામ માતા લક્ષ્મીના એક સ્વરૂપ રમાના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાનું પણ મહત્ત્વ છે.
રમા એકાદશીની પૂજા વિધિ
- સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો.
- ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો.
- ભગવાનને ફૂલ, ફળ, તુલસીનાં પાન અને અક્ષત અર્પણ કરો.
- વિષ્ણુ સહસ્રનામ અથવા વિષ્ણુ મંત્રનો જાપ કરો.
- સાંજે ભગવાનની આરતી કરીને વ્રત કથા સાંભળો.
- બીજા દિવસે દ્વાદશી તિથિએ નિર્ધારિત સમયે પારણું કરો.
દેવઉઠી એકાદશી (Devutthana Ekadashi)
- સ્માર્ત વ્રતની તારીખ: 20 નવેમ્બર 2026, શુક્રવાર
- વૈષ્ણવ વ્રતની તારીખ: 21 નવેમ્બર 2026, શનિવાર
- તિથિ: કારતક સુદ અગિયારસ
- એકાદશી તિથિ શરૂ: 20 નવેમ્બરે સવારે 7:16 વાગ્યે
- એકાદશી તિથિ પૂર્ણ: 21 નવેમ્બરે સવારે 6:32 વાગ્યે
- સ્માર્ત પારણાની તારીખ: 21 નવેમ્બર, શનિવાર
- સ્માર્ત પારણાનો સમય: બપોરે 12:08 થી સાંજે 5:54 વાગ્યા સુધી.
- વૈષ્ણવ પારણાની તારીખ: 22 નવેમ્બર, રવિવાર
- વૈષ્ણવ પારણાનો સમય: સવારે 6:58 થી 9:09 વાગ્યા સુધી.
દેવઉઠી એકાદશી 2026: તારીખ અને ધાર્મિક મહત્ત્વ
દેવઉઠી એકાદશીને દેવોત્થાન એકાદશી અને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં આ એકાદશી 20 નવેમ્બરે શુક્રવારે સ્માર્ત પરંપરા મુજબ અને 21 નવેમ્બરે શનિવારે વૈષ્ણવ પરંપરા મુજબ ઉજવવામાં આવશે.
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, અષાઢ સુદ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગનિદ્રામાં જાય છે અને કારતક સુદ અગિયારસના દિવસે જાગૃત થાય છે. આ સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. દેવઉઠી એકાદશી સાથે ચાતુર્માસનો અંત આવે છે. આ દિવસથી લગ્ન, ગૃહપ્રવેશ સહિતનાં શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થતી હોવાનું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે તુલસી વિવાહનું પણ વિશેષ મહત્ત્વ છે.
દેવઉઠી એકાદશીની પૂજા વિધિ
સવારે વહેલા ઊઠીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લો.
ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને ફૂલ, ફળ અને તુલસીનાં પાન અર્પણ કરો.
ઘરના આંગણામાં તુલસીજી પાસે દીવો પ્રગટાવો.
સાંજે ઘરમાં અને મંદિરમાં દીવા પ્રગટાવો.
ભગવાન વિષ્ણુની આરતી અને એકાદશીની કથા સાંભળો.
પરંપરા અનુસાર તુલસી વિવાહનું આયોજન કરો.
