VIRAL VIDEO: દમણ કલેક્ટરે થાર-ફોર્ચ્યુનરના માલિકોને લેવડાવ્યા અનોખા શપથ- 'હવે નહીં કરીએ હીરોગીરી-ભાઈગીરી'

દમણ વહીવટી તંત્ર અને RTO દ્વારા 'રફ્તાર નહીં, સંસ્કાર' અભિયાન હેઠળ થાર અને ફોર્ચ્યુનર ચાલકો માટે 'સંકલ્પ યાત્રા' યોજાઈ. દમણ કલેક્ટરે વાહનચાલકોને જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો પાળવાના શપથ લેવડાવ્યા, જેનો વીડિયો વાયરલ થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 10 Sep 2026 06:34 PM (IST)Updated: Thu, 10 Sep 2026 06:34 PM (IST)
viral-video-collector-takes-oath-from-thar-fortuner-drivers

Viral Video: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક શિસ્ત જાળવવા માટે વહીવટી તંત્ર અને આરટીઓ (RTO) વિભાગ દ્વારા એક અનોખો અને વિશિષ્ટ જાગૃતિ અભિયાન 'રફ્તાર નહીં, સંસ્કાર' શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત દમણની સડકો પર લાઇનસર ઊભેલી 100થી વધુ થાર અને ફોર્ચ્યુનર જેવી લક્ઝરી એસયુવી (SUV) ગાડીઓના ચાલકો માટે 'થાર અને ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા' નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દમણના કલેક્ટરે જાતે હાજરી આપીને તમામ વાહનચાલકોને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લેવડાવ્યા હતા. સોશિયલ મીડિયામાં દેશભરમાં દમણ કલેક્ટરના વખાણ થઈ રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર લોકોની જાતજાતની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

ઝડપ પર અંકુશ અને 'હીરોગિરી કે ભાઈગિરી' બંધ કરવાનો સંકલ્પ


છેલ્લા કેટલાક સમયથી થાર અને ફોર્ચ્યુનર જેવી હાઇ-એન્ડ લક્ઝરી ગાડીઓથી બેફામ, અતિશય ઝડપે અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં ચાલકોની આવી જ બેદરકારીના કારણે ગંભીર માર્ગ અકસ્માતો પણ સર્જાયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દમણ પ્રશાસને ખાસ કરીને થાર અને ફોર્ચ્યુનર ગાડીઓના માલિકો અને ચાલકોને જ એકત્રિત કરીને આ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું.

સંકલ્પ યાત્રા દરમિયાન વાહનચાલકોને ગાડી ચલાવતી વખતે સ્પીડ લિમિટ પર કંટ્રોલ રાખવા, માર્ગ સુરક્ષાના તમામ નિયમોનું કડકપણે પાલન કરવા અને રસ્તાઓ પર કોઈપણ પ્રકારની 'હીરોગિરી કે ભાઈગિરી' ન બતાવવા માટે દ્રઢ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.