સાડા 3 કલાકમાં કાર પર લિપસ્ટિકથી કરાવ્યા 3400 Kisses : વાયરલ વિડિયોને મળ્યા 55 લાખ વ્યુઝ, હવે પોલીસે ફાડ્યું ચલણ

ગ્વાલિયરમાં સોશિયલ મીડિયા પર રીલ વાયરલ કરવા યુવકે કાર પર ગર્લફ્રેન્ડ પાસે 3400 લિપસ્ટિક માર્ક્સ કરાવ્યા. 55 લાખ વ્યુઝ મળ્યા પણ ટ્રાફિક પોલીસે ₹5,500 દંડ ફટકારી કાર સાફ કરાવી!

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 25 Aug 2026 03:05 PM (IST)Updated: Tue, 25 Aug 2026 03:05 PM (IST)
gwalior-kissing-car-viral-reel-lipstick-marks-traffic-police-fine

Gwalior Viral Video: સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને વિડિયો વાયરલ કરવા માટે લોકો કેવા-કેવા ક્રેઝી અખતરા કરતા હોય છે, તેનો એક તાજો કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સામે આવ્યો છે. અહીં એક યુવકે પોતાની કારને કિસિંગ કાર બનાવી દીધી હતી. પરંતુ આ સોશિયલ મીડિયા સ્ટંટ યુવકને ભારે પડ્યો છે અને પોલીસે તેની સામે મોટી કાર્યવાહી કરી છે.

કાર પર બનાવ્યા 3400 લિપસ્ટિકના નિશાન

ગ્વાલિયરના રહેવાસી આદિત્ય સિકરવાર નામના યુવકે ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને વાયરલ કરવા માટે આ અનોખો રસ્તો અપનાવ્યો હતો. તેણે પોતાની કારની આખી બોડી પર તેની મહિલા મિત્ર પાસે લિપસ્ટિકથી હોઠના નિશાન બનવાડ્યા હતા. આદિત્યના જણાવ્યા મુજબ, કાર પર લગભગ 3,400 લિપસ્ટિકના નિશાન બનાવવા માટે તેની ગર્લફ્રેન્ડને સાડા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.

55 લાખથી વધુ વ્યુઝ મળ્યા, પણ આગળ શું થયું?

કાર તૈયાર થયા બાદ યુવકે તેનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વિડિયોમાં આ કિસિંગ કાર રોડ પર પૂરપાટ ઝડપે દોડતી જોવા મળી રહી હતી. આ અનોખો વિડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો અને માત્ર એક જ દિવસમાં તેના પર 55 લાખથી વધુ વ્યુઝ આવી ગયા.

વાયરલ વિડિયો જોતા જ પોલીસ એક્શનમાં આવી

જ્યારે આ વાયરલ રીલ ગ્વાલિયર ટ્રાફિક પોલીસના ધ્યાને આવી, ત્યારે પોલીસે વિડિયોમાં દેખાતા કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગ્વાલિયરના થાટીપુર વિસ્તારમાંથી કાર જપ્ત કરી લીધી હતી અને વાહનને ટ્રાફિક પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટના વિવિધ નિયમોના ઉલ્લંઘન અને રોડ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ યુવકને ₹5,500નો દંડ ફટકાર્યો હતો.

પોલીસ સામે જ કાર સાફ કરવી પડી

પોલીસ સ્ટેશન પહોંચેલા કાર માલિકે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ખાતરી આપી હતી. પોલીસે તેની સામે જ કારની બોડી પર લાગેલા તમામ 3,400 લિપસ્ટિકના નિશાન પાણીથી સાફ કરાવ્યા હતા.

ટ્રાફિક પોલીસ અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને રોડ પર સ્ટંટ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.