ઈન્ડિગો ફ્લાઈટમાં ગુજરાતી પરિવારનો જમણવાર, ઢોકળા-થેપલા-સમોસાની જયાફત માણી: જુઓ વાયરલ VIDEO

ફ્લાઈટમાં નાસ્તો કરતા પરિવારનો વીડિયો વાયરલ થતા ઈન્ટરનેટ પર સિવીક સેન્સ મુદ્દે જોરદાર ચર્ચા જામી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 29 Aug 2026 04:11 PM (IST)Updated: Sat, 29 Aug 2026 04:11 PM (IST)
gujarati-family-eating-dhokla-thepla-on-indigo-flight-viral-video-debate
Gujarati Family on Indigo Flight

Gujarati Family on Indigo Flight: સોશિયલ મીડિયા પર આજકાલ એક અનોખો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પરિવાર ફ્લાઈટની અંદર જ ઘરનું બનાવેલું ભોજન વહેંચીને ખાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ લોકોમાં ભારે આકર્ષણ અને ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

દેશી અંદાજ: પ્લેનમાં રેલવે કોચ જેવો માહોલ

વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ સમગ્ર ઘટના ઈન્ડિગો ફ્લાઈટની અંદરની છે, જ્યાં એક પરિવાર સાથે બેઠેલો છે. આ પરિવાર પોતાની સાથે પ્રવાસ દરમિયાન ઘણી બધી ખાવાની વસ્તુઓ લાવ્યો હતો. એક મહિલા ભોજનની પ્લેટો તૈયાર કરીને અન્ય સભ્યો સુધી પહોંચાડતી પણ નજરે પડે છે. આ અદભુત નજારો જોઈને લોકોને એવું લાગી રહ્યું છે કે જાણે આ આખો પરિવાર કોઈ ટ્રેનના કોચમાં બેસીને સાથે ભોજન કરી રહ્યો હોય.

 

વીડિયોના કેપ્શનમાં પણ 'મુસાફરી દરમિયાન દેશી પરિવાર' લખવામાં આવ્યું છે. જો કે, આ પરિવારે સિવિક સેન્સ જાળવવાનો પણ સરસ પ્રયાસ કર્યો હતો. તેઓ ભોજનની સાથે પોતાની સાથે એક મોટી પ્લાસ્ટિકની બેગ પણ લાવ્યા હતા. ભોજન કર્યા પછી વધેલો તમામ કચરો તે જ બેગમાં જમા કરી રહ્યા હતા, જેથી પ્લેનની અંદર ગંદકી ન ફેલાય.

ઈન્ટરનેટ પર યુઝર્સ બે જૂથમાં વહેંચાઈ ગયા

આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં સાર્વજનિક સ્થળોએ સિવિક સેન્સ અંગે સોશિયલ મીડિયા યુઝર્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. વિરોધ કરતો પક્ષે વીડિયો શેર કરનાર યુઝરે દાવો કર્યો કે, પરિવારના આશરે 15 સભ્યો એકસાથે ભોજન કરી રહ્યા હતા અને પ્લેટો લઈને કેબિનમાં ફરી રહ્યા હતા. 

વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે ભોજનની તીવ્ર ગંધ અન્ય મુસાફરોને પણ પરેશાન કરી રહી હતી, તેથી આપણે પ્રવાસમાં અન્ય મુસાફરોની સુવિધાનું પણ ધ્યાન રાખવું જોઈએ. અન્ય એક યુઝરે આક્રોશ ઠાલવતા આવા મુસાફરોને થોડા સમય માટે 'નો-ફ્લાય લિસ્ટ' માં મૂકવાની પણ માંગ કરી દીધી છે. જ્યારે એક યુઝરે રમૂજ કરતાં લખ્યું કે, જો પ્લેનમાં આટલી જગ્યા ખાલી હતી તો આખો પરિવાર ત્યાં ગરબા પણ રમી શકતો હતો.

બીજી તરફ, ઘણા લોકો આ આખી બાબતમાં પરિવારના સમર્થનમાં પણ આવ્યા છે. કેટલાક યુઝર્સને આ દ્રશ્ય અત્યંત દેશી, સહજ અને આત્મીયતાથી ભરેલું લાગ્યું છે. સમર્થકોનું કહેવું છે કે જ્યારે એરલાઈન દ્વારા પણ પ્લેનમાં સત્તાવાર રીતે ભોજન પીરસવામાં આવે જ છે અને ત્યારે પણ ભોજનની સુગંધ આખા પ્લેનમાં ફેલાય છે, તો માત્ર ઘરના દેશી ભારતીય ભોજનની સુગંધ સામે વાંધો ઉઠાવવો કે તેને સમસ્યા માનવી બિલકુલ યોગ્ય નથી.

આ વાયરલ વીડિયો માત્ર પ્લેનમાં બેસીને ઢોકળા-થેપલા ખાવા પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તેણે સાર્વજનિક સ્થળોએ સામાન્ય લોકોના વર્તન અને પ્રવાસ દરમિયાન પરસ્પરની અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવાની અનિવાર્ય બાબત અંગે એક મોટી વૈશ્વિક ચર્ચા જગાવી દીધી છે.