VIRAL VIDEO: ગોવાના વાગેટર બીચ પર ગુજરાત પાસિંગની ફૉર્ચ્યુનર કાર દરિયાના મોજામાં તણાઈ, JCBની મદદથી ખેંચીને બહાર કાઢવી પડી

કારનો ડ્રાઈવર બીચ પર કારને લઈ જઈને વૉશ કરી રહ્યો હતો, ત્યારે દરિયામાં ભરતી આવી હતી અને શક્તિશાળી મોજામાં કાર જોતજોતામાં દરિયામાં ખેંચાવા લાગી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Mar 2026 11:40 PM (IST)Updated: Sun, 22 Mar 2026 11:40 PM (IST)
ahmedabad-news-gujarat-tourists-fortuner-swept-away-by-waves-at-vagator-beach-goa-video-viral
HIGHLIGHTS
  • બેદરકારી દાખવનારા કારના ડ્રાઈવરની અટકાયત કરાઈ

Ahmedabad, Viral Video: ગોવાના પ્રખ્યાત વાગેટર બીચ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગુજરાતના એક પ્રવાસીની લક્ઝુરિયસ ટોયોટા ફોર્ચ્યુનર કાર દરિયાના ઉછળતા મોજામાં ફસાઈ ગઈ હતી. રવિવારે હાઈ-ટાઈડ (ભરતી) દરમિયાન કાર બીચ પર હોવાથી તેને ભારે નુકસાન થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગુજરાત પાસિંગની કારનો ડ્રાઈવર કારને બીચ પર લઈ જઈને ધોઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક દરિયામાં ભરતી આવતા પાણીનું સ્તર વધી ગયું હતુ. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ દરિયાના મોજામાં SUV તણાવા લાગી હતી અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસ દ્વારા JCBની મદદથી પાણીમાં ખુંપી ગયેલી કારને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ સમયે બીચ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હાલ તો પોલીસ દ્વારા બેદરકારી દાખવવા બદલ કારના ડ્રાઈવરની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

જણાવી દઈએ કે, ગોવાના બીચ પર પ્રવાસીઓની મોંઘી ગાડીઓ સાથેની આવી બેદરકારી આ પહેલીવાર નથી. ગોવા વહીવટી તંત્ર દ્વારા અવારનવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં પ્રવાસીઓ દ્વારા સતત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

અગાઉ પણ પોલીસ દ્વારા આવા કિસ્સાઓમાં દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે, પરંતુ પ્રવાસીઓમાં જાગૃતિનો અભાવ હોવાથી આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર દરિયાકિનારે વાહનો લઈ જવા અંગેના નિયમોના અમલીકરણ અને સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.