Delivery Workers Strike: નવા વર્ષ 2026ના કાઉન્ટડાઉન વચ્ચે ઓનલાઇન શોપિંગ અને પાર્ટીનું આયોજન કરનારાઓ માટે માઠા સમાચાર છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતના ડિલિવરી વર્કર્સે 31 ડિસેમ્બર 2025 ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળને કારણે નવા વર્ષની પૂર્વસંધ્યાએ ખાવા-પીવાની વસ્તુઓ ઓર્ડર કરવાથી લઈને ઓનલાઇન ડિલિવરી મેળવવામાં મુશ્કેલી પડી શકે તેમ છે.
અમદાવાદ સહિતના મોટા શહેરોમાં અસર
તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન અને ઈન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સના નેતૃત્વમાં આ હડતાળ ચાલી રહી છે. સ્ત્રોતો અનુસાર આ હડતાળની અસર દિલ્હી, મુંબઈ, પુણે, કોલકાતા અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરો તેમજ ગુજરાતના અમદાવાદ સહિત લખનઉ, જયપુર, ઈન્દોર અને પટના જેવા ટિયર-2 શહેરોમાં પણ જોવા મળી શકે છે.
1 લાખથી વધુ વર્કર્સ હડતાળમાં જોડાશે
મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના પ્રાદેશિક યુનિયનોએ પણ આ હડતાળમાં ભાગ લીધો છે. યુનિયનોનો દાવો છે કે દેશભરમાં 1 લાખથી વધુ ડિલિવરી વર્કર્સ આજે એપ પર લોગ-ઈન નહીં કરે અથવા તો ખૂબ જ ઓછા સમય માટે સક્રિય રહેશે. અગાઉ નાતાલના દિવસે પણ આ વર્કર્સ દ્વારા હડતાળ કરવામાં આવી હતી.
શા માટે થઈ રહી છે હડતાળ
યુનિયનનું કહેવું છે કે ગિગ વર્કર્સની માંગમાં વધારો થવા છતાં કંપનીઓ તેમની કાર્યશૈલીમાં કોઈ સુધારો કરી રહી નથી. ડિલિવરી વર્કર્સની ખરાબ સ્થિતિને કારણે આ હડતાળ રાખવામાં આવી છે, કારણ કે કંપનીઓ તેમને ન તો યોગ્ય વેતન આપે છે કે ન તો સુરક્ષાની ગેરંટી આપે છે.
10 મિનિટ ડિલિવરી મોડેલ સામે વિરોધ
કંપનીઓના '10 મિનિટ ડિલિવરી' મોડેલના કારણે ડિલિવરી વર્કર્સ રસ્તા પર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ વર્કર્સ ટાઢ, તડકો અને વરસાદમાં દિવસ-રાત કામ કરે છે, તેમ છતાં કંપનીઓ તરફથી તેમને અકસ્માત વીમો, આરોગ્ય વીમો કે પેન્શન જેવી કોઈ સામાજિક સુરક્ષાની સુવિધાઓ મળતી નથી.
ગિગ વર્કર્સની મુખ્ય માંગણીઓ
વર્કર્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં પારદર્શક વેતન માળખું લાગુ કરવું, 10 મિનિટ ડિલિવરી મોડેલ તાત્કાલિક બંધ કરવું અને કોઈપણ પ્રક્રિયા વગર આઈડી બ્લોક કરવા પર રોક લગાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ સુરક્ષા ગિયર, સમાન કામ, ગ્રાહકો તરફથી સન્માનજનક વ્યવહાર અને વીમા જેવી સામાજિક સુરક્ષાની માંગ કરી રહ્યા છે.
કોણ છે આ ગિગ વર્કર્સ?
ડિલિવરી વર્કર્સને ગિગ વર્કર્સની શ્રેણીમાં ગણવામાં આવે છે, જેઓ આઈટી સેક્ટરથી લઈને ઈ-કોમર્સ સુધી મહત્વની ભૂમિકા ભજવે છે. આ એવા કર્મચારીઓ છે જેઓ કામના બદલામાં વેતન મેળવે છે, પરંતુ કંપનીઓ દ્વારા હજુ પણ તેમને યોગ્ય વેતન કે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવતી નથી.
