India Pakistan Relation: પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરે નવા વર્ષની શરૂઆતમાં ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપતા જણાવ્યું છે કે દેશની પ્રાદેશિક અખંડિતતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ ઉલ્લંઘન કરવામાં આવશે તો તેનો મક્કમ અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. મુનીરે એવો દાવો કર્યો હતો કે ભારત સમર્થિત જૂથો બલૂચિસ્તાનમાં હિંસા ફેલાવી રહ્યા છે અને ત્યાંના વિકાસમાં અવરોધ ઊભો કરવાનું ચાલુ રાખ્યું છે. જોકે આ ગંભીર આરોપોના સમર્થનમાં તેમણે કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કર્યા નથી.
સેના પ્રમુખ આસિમ મુનીરે ઝેર ઓક્યું
સેના દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર જનરલ મુનીરે આ ટિપ્પણીઓ રાવલપિંડીમાં સ્થિત 'જનરલ હેડક્વાર્ટર્સ' (GHQ) ખાતે બલૂચિસ્તાન પર આયોજિત 18મી રાષ્ટ્રીય કાર્યશાળાના સહભાગીઓ સાથેની વાતચીત દરમિયાન કરી હતી. તેમણે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પ્રત્યે પાકિસ્તાનની કથિત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને જણાવ્યું હતું કે સુરક્ષા દળો બલૂચિસ્તાન પ્રાંતને આતંકવાદ અને અશાંતિથી મુક્ત કરવા માટે કડક કાર્યવાહી કરશે.
પાકિસ્તાનના આ નિવેદનો વચ્ચે પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ડ્રોન દ્વારા હથિયારો અને દારૂગોળો મોકલીને પંજાબને અત્યંત અશાંત રાજ્ય તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં ગ્રેનેડ હુમલા જેવી ઘટનાઓને પ્રોત્સાહન આપીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભારત આ પ્રકારની કોઈપણ સીમાપારની સાજિશનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું પાકિસ્તાની નેટવર્ક
DGP ગૌરવ યાદવે વધુમાં માહિતી આપી હતી કે પાકિસ્તાનના આ ષડયંત્રોમાં મદદ કરનારા સૂત્રધારો માત્ર પાકિસ્તાનમાં જ નહીં, પરંતુ ઉત્તર અમેરિકા, યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા અને ખાડી દેશોમાં પણ બેઠેલા છે. પાકિસ્તાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સરહદી રાજ્યોમાં અશાંતિ ફેલાવવાનો છે અને તે માટે તેઓ પોલીસ સ્ટેશનોને પણ નિશાન બનાવી રહ્યા છે. પાકિસ્તાન આક્રમક વલણ બતાવી રહ્યું છે, પરંતુ ભારતીય સુરક્ષા દળો તેમની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
