Weather Update: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. વાવાઝોડાની સાથે-સાથે કેટલાક સ્થળોએ હળવા વરસાદથી તાપમાનનો પારો નીચે ઉતરી જતાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગે આજે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
આજે પણ વરસાદ માટે યલો એલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે દિલ્હી-NCRમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દિલ્હી-એનસીઆરમાં વાદળોની હિલચાલ અને ધૂળભર્યા પવનને કારણે તાપમાન 5 ડિગ્રી ઘટી ગયું છે. જેના કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સ્થિતિ
ઉત્તરાખંડમાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી જવાથી ચાર લોકોના મોત થયા છે, જ્યારે રાજસ્થાનમાં વીજળી પડવાથી ચાર લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં મંગળવાર રાતથી હવામાન બદલાયું છે. જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે હરિદ્વારમાં વૃક્ષો ધરાશાયી થવાથી એક બાળક સહિત બે લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.
પૌરી અને નૈનીતાલ જિલ્લામાં પણ આવી જ ઘટનાઓમાં બે લોકોના મોત થયા હતા. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થયો છે. જેના કારણે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાનમાં આ ફેરફાર સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં આવ્યો છે જે હાલ સુધી રહી શકે છે. ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આછું વાવાઝોડું અને વરસાદ ચાલુ છે.
ગુજરાતમાં વાતાવરણ
ગુજરાતમાં આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થઇ શકે છે. ગઈકાલના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો હતો.
દિલ્હીમાં ધૂળની ડમરીઓ અને વરસાદ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે સવારથી દિલ્હીમાં ધૂળની ડમરીઓ ત્રાટકી હતી અને ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી તાત્કાલિક રાહત મળી હતી. સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. મહત્તમ તાપમાન પણ 34.5 ડિગ્રી નોંધાયું હતું, જે અગાઉ કરતાં પાંચ ડિગ્રી ઓછું છે. IMD અનુસાર, આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે અને તેના કારણે તાપમાનમાં પણ વધુ ઘટાડો થશે.