આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં HPCL ઓઈલ રિફાઈનરીમાં ધડાકો, ભીષણ આગથી આસપાસના વિસ્તાર ખાલી કરાવ્યા

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં HPCL ઓઈલ રિફાઈનરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા. સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો, રાહત કામગીરી ચાલુ છે અને જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 02 Nov 2026 11:57 PM (IST)Updated: Tue, 03 Nov 2026 12:09 AM (IST)
visakhapatnam-hpcl-refinery-fire-blast-black-smoke-and-panic

Visakhapatnam Refinery Fire: આંધ્રપ્રદેશના પ્રખ્યાત દરિયાકાંઠાના શહેર વિશાખાપટ્ટનમ ખાતે આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ની ઓઈલ રિફાઈનરીમાં સોમવારે સાંજે એક મોટો ધડાકો થયો હતો. આ વિસ્ફોટ બાદ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને લઈને સ્થાનિક રહીશોમાં મોટો ડર ફેલાઈ ગયો હતો.

આકાશમાં છવાયા કાળા ધુમાડાના ગોટેગોટા

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સાંજની વેળાએ અચાનક HPCLની વિશાખ રિફાઈનરી પરિસરમાંથી ભારે ધડાકાનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રિફાઈનરીની આસપાસની સોસાયટીઓ અને વસાહતોમાં લોકો ફફડીને ઘરની બહાર દોડી આવ્યા હતા. રિફાઈનરીના ઓઈલ ટેન્ક અથવા તેની આસપાસના ભાગમાં આગ લાગવાને કારણે આકાશમાં કાળા ધુમાડાના મોટા-મોટા ગોટા છવાઈ ગયા હતા, જેના દ્રશ્યો ખૂબ જ ભયાનક નજરે પડતા હતા.

તાત્કાલિક રાહત કામગીરી શરૂ

ઘટનાની ગંભીરતાને જોતાં જ સ્થાનિક તંત્ર અને પ્લાન્ટના સુરક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે એક પછી એક ફાયર ફાઇટરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરમેનની ટીમો સતત પાણી અને ફોમનો છંટકાવ કરી આગ ઓલવવાની ભારે જહેમત ઉઠાવી રહી છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટના આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને બચાવ ટીમો પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં જોતરાઈ ગઈ છે.

જાનહાનિ અને નુકસાન અંગે હજુ સત્તાવાર વિગતો અપેક્ષિત

આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તે અંગે હાલમાં સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પ્રશાસન તથા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે હજુ બહાર આવ્યું નથી. પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ટેકનિકલ ખામી કે ગરબડ આ વિસ્ફોટ પાછળ જવાબદાર હોઈ શકે છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવ્યા બાદ જ સાચી વિગતો બહાર પાડવામાં આવશે.