VB-G Ram G Bill 2025: ભારતના રાષ્ટ્રપતિએ વિકસિત ભારત—ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB—G RAM G) બિલ, 2025ને મંજૂરી આપી છે, જે ગ્રામીણ રોજગાર નીતિના પરિવર્તનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ કાયદો ગ્રામીણ પરિવારો માટે નાણાકીય વર્ષ દીઠ વૈધાનિક વેતન રોજગાર ગેરંટી વધારીને 125 દિવસ કરે છે અને સશક્તિકરણ, સર્વસમાવેશક વૃદ્ધિ, વિકાસલક્ષી પહેલોના અભિસરણ (convergence) અને સંતૃપ્તિ-આધારિત (saturation-based) વિતરણને આગળ વધારવાનો પ્રયાસ કરે છે, જેનાથી સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતનો પાયો મજબૂત થાય છે.
અગાઉ, સંસદે વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, 2025 પસાર કર્યું હતું, જે ભારતના ગ્રામીણ રોજગાર અને વિકાસના માળખામાં નિર્ણાયક સુધારા તરીકે ઓળખાય છે. આ કાયદો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ (MGNREGA), 2005ને આધુનિક વૈધાનિક માળખા સાથે બદલે છે જે આજીવિકા સુરક્ષામાં વધારો કરે છે અને વિકસિત ભારત @2047ના રાષ્ટ્રીય વિઝન સાથે સુસંગત છે.
સશક્તિકરણ, વૃદ્ધિ, અભિસરણ અને સંતૃપ્તિના સિદ્ધાંતો પર આધારિત આ કાયદો ગ્રામીણ રોજગારને માત્ર એક કલ્યાણકારી હસ્તક્ષેપ મટાડીને વિકાસના એક સંકલિત સાધન તરીકે પરિવર્તિત કરવા માંગે છે. તે ગ્રામીણ પરિવારો માટે આવકની સુરક્ષાને મજબૂત કરે છે, શાસન અને જવાબદારીને આધુનિક બનાવે છે અને વેતન રોજગારને ટકાઉ અને ઉત્પાદક ગ્રામીણ સંપત્તિના સર્જન સાથે જોડે છે, જેનાથી સમૃદ્ધ અને સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનો પાયો નંખાય છે.
કાયદાની મુખ્ય લાક્ષણિકતાઓ
વધારેલી વૈધાનિક રોજગાર ગેરંટી
આ કાયદો એવા પરિવારોને દરેક નાણાકીય વર્ષમાં ગ્રામીણ પરિવાર દીઠ 125 દિવસથી ઓછી નહીં તેવી વેતન રોજગારની વૈધાનિક ગેરંટી પૂરી પાડે છે જેના પુખ્ત સભ્યો બિનકુશળ શારીરિક કામ કરવા માટે સ્વૈચ્છિક તૈયારી દર્શાવે છે (કલમ 5(1)).
અગાઉની 100 દિવસની પાત્રતામાં કરવામાં આવેલો આ વધારો આજીવિકા સુરક્ષા, કામની આગાહી અને ગ્રામીણ પરિવારો માટે આવકની સ્થિરતાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવે છે સાથે સાથે તેમને રાષ્ટ્રીય વિકાસમાં વધુ અસરકારક અને અર્થપૂર્ણ રીતે યોગદાન આપવા સક્ષમ બનાવે છે.
કૃષિ અને ગ્રામીણ શ્રમ માટે સંતુલિત જોગવાઈ
વાવણી અને લણણીની મુખ્ય સીઝન દરમિયાન કૃષિ શ્રમિકોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો રાજ્યોને નાણાકીય વર્ષમાં કુલ સાઠ દિવસ સુધીના એકીકૃત વિરામ સમયગાળા (pause period)ને સૂચિત કરવાની સત્તા આપે છે (કલમ 6).
સંપૂર્ણ 125 દિવસની રોજગાર ગેરંટી અકબંધ રહેશે, જે બાકીના સમયગાળા દરમિયાન પૂરી પાડવામાં આવશે, જે કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેને ટેકો આપતું સંતુલન સુનિશ્ચિત કરે છે.
સમયસર વેતન ચૂકવણી
આ કાયદો સાપ્તાહિક ધોરણે અથવા કોઈપણ સંજોગોમાં કામ પૂર્ણ થયાના પંદર દિવસની અંદર વેતનની ચૂકવણી કરવાનું ફરજિયાત બનાવે છે (કલમ 5(3)). નિયત સમયગાળા પછીના વિલંબના કિસ્સામાં, વિલંબનું વળતર શેડ્યૂલ IIમાં નિર્ધારિત જોગવાઈઓ અનુસાર ચૂકવવાપાત્ર રહેશે જે વેતન સુરક્ષાને મજબૂત કરે છે અને કામદારોને વિલંબથી બચાવે છે.
ઉત્પાદક ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ રોજગાર
આ કાયદા હેઠળ વેતન રોજગાર સ્પષ્ટપણે ચાર અગ્રતા ધરાવતા વિષયોમાં ટકાઉ જાહેર સંપત્તિના સર્જન સાથે જોડાયેલ છે (કલમ 4(2) સાથે શેડ્યૂલ I વાંચો):
- જળ સુરક્ષા અને પાણી સંબંધિત કામો
- મુખ્ય ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- આજીવિકા સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- આત્યંતિક હવામાનની ઘટનાઓને ઘટાડવા માટેના કામો
તમામ કામોનું આયોજન નીચેથી ઉપર (bottom-up)ની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે અને નિર્મિત તમામ સંપત્તિઓને 'વિકસિત ભારત નેશનલ રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક'માં એકીકૃત કરવામાં આવે છે, જે જાહેર રોકાણોનું અભિસરણ, વિભાજનને ટાળવું અને સ્થાનિક જરૂરિયાતોને આધારે જટિલ ગ્રામીણ માળખાકીય સુવિધાઓની સંતૃપ્તિના હેતુથી પરિણામ-આધારિત આયોજન સુનિશ્ચિત કરે છે.
રાષ્ટ્રીય અભિસરણ સાથે વિકેન્દ્રિત આયોજન
તમામ કામો 'વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ' (VGPPs)માંથી ઉદભવે છે, જે ગ્રામ પંચાયત સ્તરે સહભાગી પ્રક્રિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને ગ્રામસભા દ્વારા મંજૂર કરવામાં આવે છે (કલમ 4(1)–4(3)).
આ યોજનાઓ પીએમ ગતિ શક્તિ સહિતના રાષ્ટ્રીય પ્લેટફોર્મ સાથે ડિજિટલ અને અવકાશી (spatially) રીતે સંકલિત છે, જે વિકેન્દ્રિત નિર્ણય પ્રક્રિયાને સંપૂર્ણપણે જાળવી રાખીને સમગ્ર સરકારના અભિસરણને સક્ષમ બનાવે છે.
આ સંકલિત આયોજન માળખું મંત્રાલયો અને વિભાગોને વધુ અસરકારક રીતે કામોનું આયોજન અને અમલીકરણ કરવા, જાહેર સંસાધનોના ડુપ્લીકેશન અને બગાડને ટાળવા અને સંતૃપ્તિ-આધારિત પરિણામો દ્વારા વિકાસને વેગ આપવા સક્ષમ બનાવશે.
સુધારેલ નાણાકીય માળખું
આ કાયદો કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના (Centrally Sponsored Scheme) તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે, જે કાયદાની જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકારો દ્વારા સૂચિત અને કાર્યરત કરવામાં આવશે.
ખર્ચની વહેંચણીની પેટર્ન કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40, ઉત્તર પૂર્વીય અને હિમાલયના રાજ્યો માટે 90:10 અને વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100% કેન્દ્રીય ભંડોળ છે.
ભંડોળ નિયમોમાં નિર્ધારિત ઉદ્દેશ્ય પરિમાણોના આધારે રાજ્યવાર આદર્શ (normative) ફાળવણી દ્વારા પૂરું પાડવામાં આવે છે (કલમ 4(5) અને 22(4)) જે રોજગાર અને બેરોજગારી ભથ્થાની વૈધાનિક પાત્રતાને સંપૂર્ણપણે સાચવીને આગાહી, નાણાકીય શિસ્ત અને મજબૂત આયોજન સુનિશ્ચિત કરે છે.
મજબૂત વહીવટી ક્ષમતા
વહીવટી ખર્ચની મર્યાદા 6% થી વધારીને 9% કરવામાં આવી છે, જે સુધારેલા સ્ટાફિંગ, તાલીમ, તકનીકી ક્ષમતા અને ક્ષેત્ર-સ્તરના સમર્થનને સક્ષમ બનાવે છે અને પરિણામોને અસરકારક રીતે પહોંચાડવાની સંસ્થાઓની ક્ષમતાને મજબૂત બનાવે છે. વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એક્ટ, 2025 એ વિકસિત ભારત @2047ના વિઝન મુજબ ભારતના ગ્રામીણ રોજગાર માળખાને નવીકરણ અને મજબૂત કરવા તરફનું એક નિર્ણાયક પગલું છે. દરેક નાણાકીય વર્ષમાં વૈધાનિક વેતન રોજગાર ગેરંટી વધારીને 125 દિવસ કરીને આ કાયદો રોજગારની માંગ કરવાના અધિકારને વધુ મજબૂત બનાવે છે જ્યારે વિકેન્દ્રિત, સહભાગી શાસનને ઊંડું બનાવે છે. તે પારદર્શક, નિયમ-આધારિત ભંડોળ, જવાબદારી તંત્ર, ટેકનોલોજી-સક્ષમ સમાવેશ અને અભિસરણ-સંચાલિત વિકાસને એકીકૃત કરે છે જેથી ગ્રામીણ રોજગાર માત્ર આવક સુરક્ષા પૂરી ન પાડે પરંતુ ટકાઉ આજીવિકા, સ્થિતિસ્થાપક સંપત્તિ અને લાંબા ગાળાની ગ્રામીણ સમૃદ્ધિમાં પણ યોગદાન આપે.
રોજગાર ગેરંટી અને માંગ કરવાનો અધિકાર
આ કાયદો રોજગાર માંગવાના અધિકારને ઓછો કરતો નથી. તેનાથી વિપરિત, કલમ 5(1) પાત્ર ગ્રામીણ પરિવારોને 125 દિવસથી ઓછી નહીં તેવી ગેરંટીવાળી વેતન રોજગાર પૂરી પાડવાની સરકાર પર સ્પષ્ટ વૈધાનિક જવાબદારી મૂકે છે. ગેરંટીકૃત દિવસોના વિસ્તરણ, મજબૂત જવાબદારી અને ફરિયાદ નિવારણ પ્રણાલી સાથે, આ અધિકારની અમલીકરણ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.
આદર્શ ભંડોળ અને રોજગાર જોગવાઈ
આદર્શ (normative) ફાળવણીમાં ફેરફાર બજેટિંગ અને ફંડ-ફ્લો મિકેનિઝમ્સ સાથે સંબંધિત છે અને રોજગારની કાનૂની પાત્રતાને અસર કરતું નથી. કલમ 4(5) અને 22(4) રોજગાર અથવા બેરોજગારી ભથ્થું આપવાની વૈધાનિક જવાબદારી જાળવી રાખીને નિયમ-આધારિત, આગાહી કરી શકાય તેવી ફાળવણી સુનિશ્ચિત કરે છે.
વિકેન્દ્રીકરણ અને પંચાયતોની ભૂમિકા
આ કાયદો આયોજન કે અમલીકરણનું કેન્દ્રીકરણ કરતો નથી. કલમ 16 થી 19 યોગ્ય સ્તરે પંચાયતો, પ્રોગ્રામ ઓફિસરો અને જિલ્લા સત્તાધિકારીઓને આયોજન, અમલીકરણ અને દેખરેખની સત્તા આપે છે. જે રાષ્ટ્રીય સ્તરે સંકલિત છે તે વિઝિબિલિટી, સંકલન અને અભિસરણ છે, સ્થાનિક નિર્ણય લેવાની પ્રક્રિયા નહીં.
રોજગાર અને સંપત્તિ સર્જન
આ કાયદો 125 દિવસની ઉન્નત વૈધાનિક આજીવિકા ગેરંટી આપે છે, જ્યારે એ સુનિશ્ચિત કરે છે કે રોજગાર ઉત્પાદક, ટકાઉ અને આબોહવા-સ્થિતિસ્થાપક સંપત્તિમાં યોગદાન આપે. રોજગાર નિર્માણ અને સંપત્તિ સર્જનને પરસ્પર મજબૂત બનાવતા ઉદ્દેશ્યો તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે લાંબા ગાળાની ગ્રામીણ વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાને ટેકો આપે છે (કલમ 4(2) અને શેડ્યૂલ I).
ટેકનોલોજી અને સમાવેશ
આ કાયદા હેઠળ ટેકનોલોજી એક સક્ષમ મિકેનિઝમ તરીકે છે, અવરોધ તરીકે નહીં. કલમ 23 અને 24 બાયોમેટ્રિક પ્રમાણીકરણ, જીઓ-ટેગિંગ અને રિયલ-ટાઇમ ડેશબોર્ડ દ્વારા ટેકનોલોજી-સક્ષમ પારદર્શકતા માટે પ્રદાન કરે છે, જ્યારે કલમ 20 ગ્રામસભાઓ દ્વારા સામાજિક ઓડિટને મજબૂત બનાવે છે, સમુદાય દેખરેખ, પારદર્શકતા અને સમાવેશની ખાતરી આપે છે.
બેરોજગારી ભથ્થું
આ કાયદો અગાઉની પાત્રતા રદ કરવાની જોગવાઈઓને દૂર કરે છે અને બેરોજગારી ભથ્થાને અર્થપૂર્ણ વૈધાનિક સુરક્ષા તરીકે પુનઃસ્થાપિત કરે છે. જ્યાં નિર્ધારિત સમયગાળામાં રોજગાર પૂરો પાડવામાં આવતો નથી, ત્યાં પંદર દિવસ પછી બેરોજગારી ભથ્થું ચૂકવવાપાત્ર બને છે.
વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એક્ટ, 2025 પસાર થવું એ ભારતની ગ્રામીણ રોજગાર ગેરંટીના નોંધપાત્ર નવીકરણનું પ્રતિનિધિત્વ કરે છે. વૈધાનિક રોજગારને 125 દિવસ સુધી વિસ્તારીને, વિકેન્દ્રિત અને સહભાગી આયોજનને જોડીને, જવાબદારીને મજબૂત કરીને અને અભિસરણ અને સંતૃપ્તિ-આધારિત વિકાસને સંસ્થાકીય બનાવીને, આ કાયદો ગ્રામીણ રોજગારને સશક્તિકરણ, સર્વસમાવેશક વૃદ્ધિ અને સમૃદ્ધ તેમજ સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતના નિર્માણ માટેના વ્યૂહાત્મક સાધન તરીકે પુનઃસ્થાપિત કરે છે, જે વિકસિત ભારત @2047ના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
