Vayo Samman National Campaign: કેન્દ્ર સરકાર દ્વારા દેશના અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે એક મહત્વપૂર્ણ અને ભાવનાત્મક રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. વધતા જતા ડિજિટલ યુગ અને બદલાતી જીવનશૈલી વચ્ચે વડીલો (Senior Citizens) અને યુવા પેઢી વચ્ચે સર્જાયેલા અંતર (Generation Gap)ને મટાડવા માટે કેન્દ્ર સરકાર 'વયો સન્માન રાષ્ટ્રીય અભિયાન' શરૂ કરશે.
આ અભિયાનની વિધિવત શરૂઆત કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી કરવામાં આવશે. આ પહેલ ‘અટલ વયો અભ્યુદય યોજના’ (AVAYO) હેઠળ અમલમાં મૂકવામાં આવી રહી છે.
અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય
આ રાષ્ટ્રીય અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં વડીલોના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો અને તેમને સન્માનજનક જીવન પૂરું પાડવાનો છે. આ સાથે જ યુવાનોમાં વડીલો પ્રત્યે આદર, સામાજિક સમાવેશ અને તેમની સંભાળ લેવાની સક્રિય ભાગીદારી પ્રોત્સાહિત કરવાનો છે.
ભારતમાં ઝડપથી બદલાતી વસ્તી વિષયક સ્થિતિ (Demographic Shift)ને ધ્યાનમાં રાખીને આ અભિયાન ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી પીઢીઓ વચ્ચેના સંબંધો માત્ર ઔપચારિક ન રહેતાં એક મજબૂત સામાજિક તાંતણે બંધાય.
‘5-C’ મોડેલ પર આધારિત માળખું
આ અભિયાન 5-સૂત્રીય માળખા પર કામ કરશે, જે પીઢીઓ વચ્ચે અર્થપૂર્ણ સંબંધો બાંધવામાં મદદરૂપ થશે-
- Connect (જોડાણ): વડીલો અને યુવાનોને એકબીજા સાથે જોડવા.
- Converse (વાતચીત): મુક્ત અને સન્માનપૂર્વક સંવાદ સ્થાપિત કરવો.
- Co-create (સહ-સર્જન): સાથે મળીને નવા વિચારો અને પ્રવૃત્તિઓ પર કામ કરવું.
- Contribute (યોગદાન): સમાજ અને પરિવારમાં એકબીજાને ઉપયોગી થવું.
- Continue (સાતત્ય): આ સંબંધોને લાંબા ગાળા સુધી જાળવી રાખવા.
12 મુખ્ય વિષયવસ્તુ
આ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે 12 અલગ-અલગ થીમેટિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે:
30 Minutes Together: યુવાનો દરરોજ ઓછામાં ઓછો 30 મિનિટનો સમય વડીલો સાથે વિતાવે.
Teach Me - I Will Teach You: વડીલો યુવાનોને તેમના જીવનના અનુભવો અને સંસ્કારો શીખવશે, જ્યારે યુવાનો વડીલોને નવી ટેકનોલોજી શીખવશે.
Digital Dada-Dadi / Digital Sathi: સીનિયર સિટિઝન્સને સ્માર્ટફોન, ડિજિટલ પેમેન્ટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખવવું.
My Story, My India: વડીલો પાસેથી દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને જૂના જમાનાની વાર્તાઓ જાણીને તેને સાચવવી.
Generation Health & Wellness: વડીલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ, વ્યાયામ અને સ્વાસ્થ્ય સંભાળની પ્રવૃત્તિઓ કરવી.
Silver Skills - Seniors as Mentors: નિવૃત્ત અને અનુભવી વડીલોના કૌશલ્યનો લાભ લઈને યુવાનો માટે માર્ગદર્શન (Mentorship) પૂરું પાડવું.
સમાજ માટે શા માટે મહત્વનું?
એકલવાયાપણું અને ડિજિટલ યુગમાં વધી રહેલું પેઢીગત અંતર આજે મોટી સામાજિક સમસ્યા બની રહ્યું છે. કેન્દ્ર સરકારનું આ અભિયાન માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ વડીલોના આશીર્વાદ અને યુવા ઉર્જાને એકસાથે લાવીને સમાજને વધુ મજબૂત અને સંવેદનશીલ બનાવવાનો એક સુંદર પ્રયાસ છે.
