વારાણસી એરપોર્ટ પર ઇન્ડિગોના પાયલટે ડ્યુટી પૂરી થતા જ ફ્લાઈટ ઉડાડવાની પાડી ના પાડી, 167 મુસાફરો અટવાયા

વારાણસી એરપોર્ટ પર ખરાબ હવામાન અને પાયલટની ડ્યુટી પૂરી થવાને કારણે બેંગલુરુ જતી ફ્લાઈટ રદ કરવી પડી. એરલાઈન્સે 167 મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 07 Oct 2026 10:05 PM (IST)Updated: Wed, 07 Oct 2026 10:05 PM (IST)
varanasi-indigo-flight-cancelled-due-to-pilot-duty-hours

Varanasi Airport: ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે એક અનોખો અને પરેશાનીભર્યો માહોલ જોવા મળ્યો હતો. અહીં ખરાબ હવામાન અને પાયલટની ડ્યુટીના કાયદાકીય નિયમોને કારણે ઇન્ડિગો એરલાઇન્સની બેંગલુરુ જતી ફ્લાઈટ રદ કરવી પડી હતી. ડ્યુટીના કલાકો પૂરા થઈ ગયા હોવાનું કારણ આપીને પાયલટે વિમાન આગળ લઈ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે અચાનક જ 167 જેટલા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. જોકે, એરલાઇન પ્રશાસનની તાત્કાલિક તત્પરતાના કારણે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, મંગળવારે બેંગલુરુથી વારાણસી આવતી ઇન્ડિગોની ફ્લાઈટ (6E 6596) પોતાના નિર્ધારિત સમય સાંજે 5:45 વાગ્યાથી અડધો કલાક મોડી એટલે કે આશરે 6:15 વાગ્યે વારાણસી એરપોર્ટના હવાઈ ક્ષેત્રમાં પહોંચી હતી. તે જ સમયે વારાણસીમાં અચાનક વાતાવરણ બગડ્યું હતું અને ભારે આંધી-તોફાન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ હતી, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનને તુરંત લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

ખરાબ હવામાનને કારણે આ વિમાને અંદાજે અડધો કલાક સુધી આકાશમાં જ આટા મારવા પડ્યા હતા. આખરે, સ્થિતિ થોડી સામાન્ય થતાં સાંજે 6:45 વાગ્યે વિમાને વારાણસી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.

પાયલટે કેમ ના પાડી? 

નિયમ મુજબ, લેન્ડિંગ કરનાર આ જ વિમાને ફ્લાઈટ નંબર 6E 6597 બનીને વારાણસીથી પરત બેંગલુરુ માટે ઉડાન ભરવાની હતી. પરંતુ, સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનના પાયલટ અને ક્રૂ મેમ્બર્સે એવિયેશન સેક્ટરના નિયમ 'ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન' (FDTL)નો હવાલો આપ્યો. પાયલટોએ સ્પષ્ટ કર્યું કે તેમની ડ્યુટીના નિર્ધારિત કલાકો હવે પૂરા થઈ ગયા છે, તેથી તેઓ આ વિમાનને આગળ ઓપરેટ કરી શકશે નહીં.

આ સમય દરમિયાન અન્ય શહેરોથી વારાણસી આવતી ફ્લાઈટ્સ પહેલેથી જ રવાના થઈ ચૂકી હોવાથી તાત્કાલિક ધોરણે બીજા પાયલટને બોલાવવો શક્ય નહોતો બન્યો. પરિણામે, એરલાઇન પાસે આ ફ્લાઈટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

એરલાઇન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ અને મુસાફરોની પ્રતિક્રિયા

ફ્લાઈટ રદ થવાની જાહેરાત થતાં જ એરપોર્ટ પર હાજર 167 મુસાફરોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે, ઇન્ડિગો મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે મુસાફરોની મુશ્કેલી ઓછી કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી દીધી હતી.

કેટલાક મુસાફરોને ઇન્ડિગોની જ બેંગલુરુ જતી અન્ય ફ્લાઈટ (6E 499) માં શિફ્ટ કરવામાં આવ્યા. તો કેટલાક મુસાફરોને મુંબઈ અને હૈદરાબાદ થઈને બેંગલુરુ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટાભાગના મુસાફરો આ વૈકલ્પિક વિમાનો દ્વારા પોતાના ગંતવ્ય સ્થાને રવાના થઈ ગયા, જ્યારે કેટલાક મુસાફરોએ પોતાની યાત્રા મોકૂફ રાખીને આગામી દિવસની ટિકિટ પસંદ કરી. તો કેટલાક મુસાફરોએ ટિકિટ રદ કરીને પૂરેપૂરું રિફંડ (Full Refund) મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો.

એરપોર્ટ ડિરેક્ટર પુનીત ગુપ્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ખરાબ હવામાનના કારણે બેંગલુરુથી આવતી ફ્લાઈટ મોડી પડી હતી, જેના લીધે પાયલટની ડ્યુટીના કલાકો પૂર્ણ થઈ ગયા હતા. મુસાફરોને કોઈ મોટી અગવડ ન પડે તે માટે એરલાઇન્સ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ જરૂરી વૈકલ્પિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.