Uttarkashi Accident News: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે ગંગોત્રી નેશનલ હાઈવે પર જઈ રહેલી એક 'ઈનોવા' કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાં થઈને ભાગીરથી નદીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સિવાય વાહનમાં સવાર અન્ય બે વ્યક્તિઓ નદીના ધસમસતા પ્રવાહમાં ગુમ હોવાની આશંકા સેવાઈ રહી છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારના રહેવાસી હતા મુસાફરો
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા આ તમામ મુસાફરો ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી વિસ્તારના રહેવાસી હતા. તેઓ ઉત્તરકાશીથી ગંગોત્રી ધામના દર્શન અર્થે જઈ રહ્યા હતા. જોકે, તમામ મુસાફરોના નામ અને ચોક્કસ સરનામા અંગે વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. અકસ્માતના સમાચાર મળતાં જ અમદાવાદમાં રહેતા તેમના સગા-સંબંધીઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
ગરમકુંડ નજીક સર્જાયો અકસ્માત; NDRF અને SDRF નું રેસ્ક્યૂ ઓપરેશન
આ દુર્ઘટના ગંગનાનીમાં આવેલા 'ગરમકુંડ' થી લગભગ 20 મીટર આગળ ડબરા નજીક સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યાના નિર્દેશ મુજબ સ્થાનિક પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), વોટર પોલીસ અને 108 ઇમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
બચાવ ટીમોએ ભારે જહમત બાદ નદીના કિનારેથી 4 મૃતદેહો બહાર કાઢ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલી એક વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 27 સભ્યોની એક વિશેષ ટીમ પણ મનેરાથી ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. વોટર પોલીસ અને ડાઇવર્સની મદદથી નદીના ભારે પ્રવાહમાં ગુમ થયેલા અન્ય 2 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
ઉત્તરાખંડ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ વિભાગ હાલ તમામ મુસાફરોના ઓળખપત્રો ચકાસીને સ્વજનોનો સંપર્ક કરવા માટે કામ કરી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અને સ્થાનિક મેડિકલ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ દ્વારા કાર અનિયંત્રિત થવા પાછળના મુખ્ય કારણો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
