Rampur Accident: ઉત્તર પ્રદેશના રામપુરમાં રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં ઘાસથી ભરેલી એક ઓવરલોડ ટ્રક 'ઉત્તર પ્રદેશ સરકાર' લખેલી બોલેરો ગાડી પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બોલેરો ચાલકનું ટ્રક નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડી ગેટ પાસે બની હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ રામપુરના પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અનેક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ ક્રેન અને જેસીબી (JCB) મશીનની મદદથી ટ્રકને હટાવવામાં આવી હતી અને ત્યારબાદ મૃતક ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકને કબજે કરી લીધી છે અને ગાડીમાંથી મળેલા મોબાઈલ નંબરના આધારે પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ઘટનાના સીસીટીવી ફુટેજ વાઈરલ
આ અકસ્માતના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની તીવ્રતા જોઈ શકાય છે. ફૂટેજ મુજબ ટ્રક પાછળથી આવી હતી અને આગળ નીકળતી વખતે બોલેરો સાથે અથડાઈ હતી. જ્યારે ટ્રક બોલેરોની બરાબર બાજુમાં પહોંચી, ત્યારે વળાંક લેતી વખતે તે બોલેરો પર જ પલટી ગઈ હતી. ટ્રકના વજનને કારણે બોલેરો ગાડી સંપૂર્ણપણે દબાઈ ગઈ હતી અને ડ્રાઈવરને બચવાની તક મળી નહોતી.
#Rampur🚨⚠️
— Dave (Road Safety: City & Highways) (@motordave2) December 28, 2025
Disturbing Visuals🚨#Chaos around #Intersection
- Overloaded Lorry overturned on Bolero
- Bolero Driver does’t look like checked RV mirrors
- Everyone riding/driving everywhere 🤷♂️
What’s with India DL?@DriveSmart_IN
pic.twitter.com/8Mnh2lz1HF
ઓવરલોડિંગના જોખમ સામે ઉઠ્યા સવાલો
આ અકસ્માતે ફરી એકવાર મોટા વાહનોમાં ઓવરલોડિંગના જોખમને લઈને ગંભીર ચર્ચા જગાવી છે. સરકાર દ્વારા ઓવરલોડિંગ વાહનો વિરુદ્ધ અનેક અભિયાનો ચલાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આ ઘટના દર્શાવે છે કે જમીની હકીકત કંઈક અલગ જ છે. આવા ઓવરલોડ વાહનો રસ્તા પર મુસાફરી કરતા અન્ય લોકો માટે મોટું જોખમ સાબિત થઈ રહ્યા છે.

