Aligarh Dog Bite Case: ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક અત્યંત આશ્ચર્યજનક અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 20 વર્ષીય યુવકને કૂતરાએ કરડ્યાના માત્ર 14 થી 15 કલાકમાં જ હડકવા (રેબીઝ) ના લક્ષણો દેખાવા લાગ્યા હતા. સામાન્ય સંજોગોમાં કૂતરા કે અન્ય પ્રાણીના કરડ્યા પછી ચેપ ફેલાતા અને લક્ષણો દેખાતા એક થી ત્રણ મહિનાનો સમય લાગે છે, જેને 'ઇન્ક્યુબેશન પીરિયડ' કહેવામાં આવે છે. જોકે આ કિસ્સામાં આટલા ટૂંકા ગાળામાં સંક્રમણ ફેલાતા તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હેરાન છે.
સાંજે કૂતરું કરડ્યું અને સવારે દેખાયા હડકવાના લક્ષણો
અલીગઢના તહસીલ વિસ્તારના ઉટબારા ગામમાં રહેતા રામકુમાર ઉર્ફે રામુને શનિવારે સાંજે લગભગ છ વાગ્યે શેરીમાં ફરતા એક કૂતરાએ પગમાં બચકું ભર્યું હતું. રામકુમારે તે સમયે ઘાને ધોઈને ઘરે જ પ્રાથમિક સારવાર કરી લીધી હતી અને પરિવારને જણાવ્યું હતું કે તે રવિવારે સવારે હોસ્પિટલ જઈને એન્ટી-રેબીઝ વેક્સિન લેશે. તેના પિતાના જણાવ્યા મુજબ રાત્રે જમવા સુધી રામકુમાર એકદમ સામાન્ય હતો.
રવિવારે સવારે જ્યારે રામકુમાર હોસ્પિટલ જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેનું વર્તન બદલાઈ ગયું હતું. તે જીભ બહાર કાઢીને હાંફવા લાગ્યો હતો અને પોતાને તેમજ પરિવારના સભ્યોને કરડવા માટે દોડવા લાગ્યો હતો. યુવકની આવી હાલત જોઈને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને તેને કાબૂમાં લેવા માટે ખાટલા સાથે બાંધી દેવો પડ્યો હતો.
યુવકને ગંભીર હાલતમાં ખૈર સીએચસી (CHC) ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબી અધિકારી ડો. રોહિત ભાટીએ તેને પ્રાથમિક સારવાર આપી હતી. ડો. ભાટીએ જણાવ્યું હતું કે જો કરડનાર કૂતરો પહેલેથી જ રેબીઝથી સંક્રમિત હોય અથવા પાગલ હોય, તો તેના લક્ષણો ખૂબ જ ઝડપથી દેખાઈ શકે છે. યુવકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે દિલ્હીની મહર્ષિ વાલ્મિકી ચેપી રોગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ પશુના કરડ્યા પછી તરત જ એન્ટી-રેબીઝ ઈન્જેક્શન લેવું અનિવાર્ય છે.
