Kuldeep Singh Sengar: ઉન્નાવ રેપ કેસના દોષિત અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સજા મોકૂફ રાખવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સીજેઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે હાઈકોર્ટના તે આદેશ પર સ્ટે આપ્યો છે જેમાં સેંગરની આજીવન કેદની સજાને સસ્પેન્ડ કરીને તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે કુલદીપ સેંગરને નોટિસ પણ જારી કરી છે.
સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંતે મહત્વનો સવાલ ઉઠાવ્યો હતો કે જો પોક્સો (POCSO) એક્ટ હેઠળ કોઈ કોન્સ્ટેબલ 'લોકસેવક' હોઈ શકે, તો ધારાસભ્યને તેમાંથી અલગ કેમ રાખવામાં આવ્યા? કોર્ટે અવલોકન કર્યું કે જો કોઈ જવાબદાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પાસે કોઈ મદદ માટે આવે અને તેની સાથે ગેરરીતિ થાય, તો તેને વધુ ગંભીર ગુનો માનવો જોઈએ. અગાઉ સેંગરના વકીલોએ દલીલ કરી હતી કે ધારાસભ્યને ગુનાહિત કાયદાની વ્યાખ્યામાં લોકસેવક ગણી શકાય નહીં.
CBIએ હાઈકોર્ટના આદેશને સમાજ માટે ખતરનાક ગણાવ્યો
સીબીઆઈ (CBI) એ હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં આ આદેશને કાયદા વિરુદ્ધ અને સમાજ માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. એજન્સીએ દલીલ કરી હતી કે હાઈકોર્ટે સેંગરની સજા મોકૂફ રાખીને પોક્સો એક્ટના મૂળ હેતુને જ નજરઅંદાજ કર્યો છે. સીબીઆઈના મતે સેંગર ધારાસભ્ય તરીકે જનતાના વિશ્વાસના પદ પર હતા, તેથી તેમની જવાબદારી સામાન્ય નાગરિક કરતા ક્યાંય વધુ હતી.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિતા પણ હાજર હતી, જોકે તે પહેલા તેની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ બળાત્કાર અત્યંત ભયાનક હતો અને તે સમયે પીડિતાની ઉંમર 16 વર્ષથી પણ ઓછી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે જે વ્યક્તિ જવાબદાર હોદ્દા પર હોય અને આવું કૃત્ય કરે, તેને સખત સજા થવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2017માં ઉન્નાવની પીડિતાએ તત્કાલીન ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. 2018માં જ્યારે પીડિતાએ મુખ્યમંત્રી આવાસ પાસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. 2019માં દિલ્હીની નીચલી અદાલતે સેંગરને પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. નોંધનીય છે કે પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં પણ સેંગરને 10 વર્ષની સજા થયેલી છે, જેના કારણે તે હાલમાં જેલમાં જ છે.
