New Parliament Building: નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે સંગ્રામ છેડાયેલો છે ત્યારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એક ટ્વિટ કર્યું છે અને તેમણે નવા સંસદ ભવનની ખૂબ જ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે નવુ સંસદ ભવન સ્વાગતને યોગ્ય છે. ઉમર અબ્દુલ્લાનું આ ટ્વિટ એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે કોંગ્રેસ સહિત લગભગ 21 જેટલા પક્ષોએ સંસદ ભવનના ઉદઘાટન સમારંભનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
તેમણે લખ્યું થોડા સમય માટે ઉદઘાટનના હોહલ્લાને અલગ કરી નાંખો તો આ ભવન એક સ્વાગતને યોગ્ય પગલું છે. જૂના સંસદ ભવને દેશની સારી સેવા કરી છે, પણ કેટલાક વર્ષોથી ત્યાં કામ કરનારા વ્યક્તિ તરીકે આપણા પૈકી ઘણાબધા લોકો નવા અને વધારે સારા સંસદ ભવનની જરૂરિયાત અંગે વાત કરતા હતા. હું એટલુ જ કહીશ કે આ ભવન કમાલનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનનું 28મી મે (રવિવાર)ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંસદ ભવનનું ઉદઘાટન કરશે. આ અંગે વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષ કહી રહ્યા છે કે સંસદનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે થવું જોઈએ. વિપક્ષ સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે નકારી દીધી હતી.