શાહનવાઝ હુસૈનના પુત્રના નિકાહ પર ઉમા ભારતીની ભાવુક પોસ્ટ: કહ્યું- ન જવાનો અફસોસ જીવનભર રહેશે

ભાજપના નેતા શાહનવાઝ હુસૈનના પુત્ર અરબાઝના નિકાહમાં હાજર ન રહી શકતાં ઉમા ભારતીએ ભાવુક પોસ્ટ કરી. 32 વર્ષના સંબંધો યાદ કરતાં કહ્યું કે આ અફસોસ જીવનભર રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 01:05 PM (IST)Updated: Fri, 30 Oct 2026 01:05 PM (IST)
uma-bharti-emotional-post-shahnawaz-hussain-son-arbaaz-nikah

Uma Bharti Emotional Post: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસૈનના પુત્ર સૈયદ અરબાઝ હુસૈનના નિકાહ 25 ઓક્ટોબર 2026 ના રોજ નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે સંપન્ન થયા હતા. આ પ્રસંગે યોજાયેલા ભવ્ય રિસેપ્શનમાં શાસક પક્ષ અને વિપક્ષના અનેક જાણીતા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરબાઝ હુસૈનના લગ્ન હરિયાણાના જગાધરીથી કોંગ્રેસના વિધાયક અને પૂર્વ મંત્રી મોહમ્મદ અક્રમ ખાનની પુત્રી અફશાં અક્રમ ખાન સાથે થયા છે. બિહારના સુપૌલના વતની શાહનવાઝ હુસૈનના પુત્ર અરબાઝ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે, જ્યારે પુત્રવધૂ અફશાંએ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.

સોશિયલ મીડિયા પર ઉમા ભારતીની સ્પર્શી જતી પોસ્ટ

અરબાઝના નિકાહ બાદ ભાજપના સીનિયર નેતા ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અત્યંત ભાવુક સંદેશ શેર કર્યો હતો, જેમાં તેમણે શાહનવાઝ હુસૈન સાથેના પોતાના 32 વર્ષ જૂના પારિવારિક અને રાજકીય સંબંધોના સંસ્મરણો વાગોળ્યા હતા.

ઉમા ભારતીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, શાહનવાઝ હુસૈન જ્યારે વૃંદાવનમાં પોતાના પુત્ર અરબાઝના લગ્નનું નિમંત્રણ પત્ર આપવા આવ્યા હતા, ત્યારે શાહનવાઝ સાથેની પ્રથમ મુલાકાતથી લઈને અરબાઝના લગ્નના કાર્ડ સુધીની આખી સફર યાદ આવી ગઈ હતી.

32 વર્ષ જૂની સફર અને કેબિનેટ મંત્રી બનવાની કહાની

ડિસેમ્બર 1993 સુધી જગત પ્રકાશ નડ્ડા ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ હતા અને ત્યારબાદ ઉમા ભારતી અધ્યક્ષ બન્યા હતા. શાહનવાઝ નડ્ડાની ટીમમાં સભ્ય હતા. અયોધ્યા આંદોલન દરમિયાન રચાયેલી છબી વચ્ચે શાહનવાઝની અથાણ મહેનત જોઈને તેમને પ્રથમ વખત કાર્યાલય પ્રભારી, પછી રાષ્ટ્રીય મંત્રી બનાવાયા, તેમણે લોકસભા ચૂંટણી લડી અને માત્ર 32 વર્ષની ઉંમરે અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા.

ઉમા ભારતીએ વધુમાં ખુલાસો કર્યો કે, રેણુ શર્મા વિશે શાહનવાઝે સૌથી પહેલા તેમને જ જણાવ્યું હતું. બંને પોતાના ધર્મનું પાલન કરીને વિવાહ કરે તેવા સુઝાવ બાદ બંનેના લગ્ન થયા હતા. બાદમાં અરબાઝનો જન્મ થતાં યુવા મોરચાના સભ્યોએ ઉમા ભારતીના નિવાસસ્થાને ખુશી મનાવી હતી, જેમાં સાહબ સિંહ વર્મા પણ સામેલ હતા.

'જીવનભર અફસોસ રહેશે'

પોતાની લાચારી વ્યક્ત કરતાં ઉમા ભારતીએ લખ્યું કે, અરબાઝના નિકાહમાં 26 તારીખની સાંજે તેમને ફોઈના સ્થાને બેસવાનું હતું. તેઓ 25 તારીખે સવારે કેદારનાથના -3 ડિગ્રી તાપમાનમાંથી વૃંદાવન આવ્યા હતા, પરંતુ હવામાનના પલટા અને ગરમીના કારણે 26 તારીખે દિલ્હી જઈ શક્યા નહીં. આ બાબતનો તેમને જીવનભર અફસોસ રહેશે. તેમણે વૃંદાવનમાં બાંકે બિહારીજી પાસે અરબાઝ અને અફશાંના સુખી જીવન માટે પ્રાર્થના કરી હતી.

શાહનવાઝ હુસૈન પણ ભાવુક થઈ ગયા

ઉમા ભારતીના આ સંદેશ પર પ્રતિક્રિયા આપતાં શાહનવાઝ હુસૈને કહ્યું કે,

દીદી, તમારા ભાવપૂર્ણ શબ્દોએ મને ભાવુક કરી દીધો. આપણો 32 વર્ષનો સાથ, તમારો સ્નેહ અને આશીર્વાદ મારા જીવનની અણમોલ મૂડી છે. અરબાઝ અને અફશાંના નિકાહમાં તમારી ખોટ ખૂબ સાલી, પરંતુ વિશ્વાસ હતો કે દીદીના આશીર્વાદ અમારી સાથે છે.

શાહનવાઝે યાદ કર્યું કે, અરબાઝનો પહેલો જન્મદિવસ પણ ઉમા ભારતીએ પોતાના ઘરે જ ઉજવ્યો હતો. તેમણે ઉમા ભારતીને દિલ્હી આવવા પર ઘરે પધારી નવદંપતીને આશીર્વાદ આપવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું.