Uniform Civil Code 2029: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2029 ની લોકસભા ચૂંટણી પહેલાં દેશના NDA શાસિત તમામ 21 રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) લાગુ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુંબઈ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમના આ દાવ બાદ ભાજપના મુખ્ય સહયોગી પક્ષો જેવા કે તેલુગુ દેશમ પાર્ટી (TDP), જનતા દળ (યુનાઈટેડ) [JD-U] અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) દ્વારા આ બાબતે અત્યંત સાવચેતીભર્યો અને વ્યાપક ચર્ચા-વિચારણા કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
NDA ના સહયોગી પક્ષોનું સ્ટેન્ડ શું છે?
સમાન નાગરિક સંહિતા અંગે આંધ્રપ્રદેશની સત્તાધારી TDPના સંસદીય પક્ષના નેતા લાવુ શ્રી કૃષ્ણ દેવરાયલુએ જણાવ્યું હતું કે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. ભવિષ્યમાં આ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા તમામ હિતધારકો અને સમાજના વિવિધ વર્ગો સાથે પરામર્શ કરવામાં આવશે.
બીજી તરફ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JD(U) ના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ સંકેત આપ્યો છે કે તેઓ ટૂંક સમયમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. નીતિશ કુમારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે UCC જેવા વિષય પર તમામ સમુદાયોને સાથે લઈને સર્વસંમતિ સાધવી જરૂરી છે.
LJP (રામ વિલાસ) ના વડા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે તેમનો પક્ષ દેશની વિવિધતા અને અનુસૂચિત જનજાતિઓને મળેલા બંધારણીય અધિકારોનું સન્માન કરે છે. ડ્રાફ્ટ જનતા સમક્ષ આવ્યા બાદ જ તેમનો પક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરશે.
ભાજપનો વ્યૂહ: સમગ્ર દેશને બદલે રાજ્ય સ્તરે અમલીકરણ
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને કલમ 370 નાબૂદ કર્યા બાદ UCC લાગુ કરવું એ ભાજપના મુખ્ય એજન્ડામાં સામેલ છે. કેન્દ્ર સરકારે તેને સમગ્ર દેશમાં એકસાથે લાગુ કરવાના બદલે રાજ્યો દ્વારા અમલમાં મૂકવાની વ્યૂહરચના અપનાવી છે.
હાલમાં ઉત્તરાખંડમાં UCC લાગુ થઈ ચૂક્યો છે, જ્યારે ગુજરાત, આસામ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાઓ દ્વારા કાયદો પસાર કરાયો છે. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
