બ્રિટનમાં મેયર બન્યા બાદ પ્રથમવાર ભારત પહોંચ્યા રોહતકના માતા-પુત્ર, ઢોલ-નગારા સાથે થયું ભવ્ય સ્વાગત

રોહતકના તુષાર દહિયા અને તેમના માતા પરવીન રાની બ્રિટનમાં મેયર તરીકે ચૂંટાયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 04:15 PM (IST)Updated: Mon, 26 Oct 2026 04:15 PM (IST)
tushar-dahiya-parveen-rani-uk-mayor-india-visit-rohtak-grand-welcome

UK Mayor Parveen-Tushar Dahiya: બ્રિટનની સ્થાનિક રાજનીતિમાં આગવી ઓળખ બનાવનાર હરિયાણાના રોહતકના વતની તુષાર દહિયા અને તેમના માતા પરવીન રાની બ્રિટનમાં મેયર બન્યા બાદ પ્રથમ વખત ભારત આવ્યા છે. ભારતમાં આગમન થતાં જ માતા-પુત્રનું ઢોલ-નગારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બ્રિટનમાં નાગરિકોની સમસ્યાઓ ઉકેલવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવું એ પણ તેમની મુખ્ય પ્રાથમિકતામાં સામેલ છે.

23 વર્ષીય તુષાર દહિયા એલ્સ્ટ્રી અને બોરહમવૂડ ટાઉન કાઉન્સિલના મેયર તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે તેમના માતા પરવીન રાની હર્ટ્સમેયર બોરો કાઉન્સિલના મેયર તરીકે ચૂંટાયા છે. તુષાર દહિયાની પ્રાથમિકતામાં વધતી મોંઘવારી અને જીવનનિર્વાહખર્ચને ઘટાડવાના પ્રયાસો, ભારતીય મૂળના લોકોને સરકારી યોજનાની માહિતી પૂરી પાડવી, આવાસ, બુનિયાદી સુવિધાઓ અને ગ્રીન ઝોનની સુરક્ષા સાથે જમીનનો વ્યવસ્થિત ઉપયોગ સામેલ છે.

naidunia_image

તુષાર દહિયાએ જણાવ્યું કે, તેમને રાજકારણમાં આવવાની પ્રેરણા તેમના માતા પાસેથી મળી હતી. આશરે 16 વર્ષની ઉંમરથી સામાજિક સેવામાં સક્રિય તુષાર 20 વર્ષની વયે કાઉન્સિલર બન્યા હતા અને વર્ષ 2025 માં ડેપ્યુટી મેયર બન્યા બાદ હવે તેમને મેયર પદની જવાબદારી સોંપવામાં આવી છે. તેમનું માનવું છે કે યુવાનોએ રાજકારણમાં આવતા પહેલા સામાજિક સેવા દ્વારા લોકોની જરૂરિયાતોને સમજવી જોઈએ.

પરવીન રાનીના જણાવ્યા અનુસાર, બ્રિટનમાં જન્મેલા ભારતીય મૂળના ઘણા બાળકોને હિન્દી આવડતી નથી, જેથી તેઓ પરિવારના વડીલો અને દાદા-દાદી સાથે વાતચીત કરી શકતા નથી. આ સમસ્યાને દૂર કરવા રોહતકના આ માતા-પુત્રએ હિન્દી ભાષાના પ્રચારની પહેલ કરી, જેના પરિણામે કાઉન્સિલમાં પ્રથમ વખત દિવાળી અને હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગામી સમયમાં પણ ભારતીય તહેવારો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી નવી પેઢી પોતાની મૂળ પરંપરા સાથે જોડાયેલી રહે.

બીજી તરફ, પરવીન રાની વર્ષ 2013 માં પરિવાર સાથે બ્રિટન ગયા હતા અને વર્ષ 2023 માં પ્રથમ વખત ચૂંટણી લડીને કાઉન્સિલર બન્યા હતા. ત્યારબાદ સ્ટ્રીટ સીન, પાર્ક, મનોરંજન અને સંસ્કૃતિ જેવા વિભાગોમાં કેબિનેટ સભ્ય તેમજ ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી છે. તેઓ ફિલ્મ તેમજ ટેલિવિઝન માટે ગ્લોબલ એમ્બેસેડરની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે, ભારતીય મૂળની મહિલા તરીકે બ્રિટિશ રાજકારણમાં આગળ વધવું આસાન નહોતું, પરંતુ સતત સામાજિક સેવા અને લોકોના પ્રશ્નોના નિરાકરણ દ્વારા તેમણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.