Total Solar Eclipse 2026: 12 ઓગસ્ટ 2026નો દિવસ વિશ્વભરના ખગોળશાસ્ત્રના ઉત્સાહીઓ માટે અત્યંત ખાસ અને યાદગાર બનવા જઈ રહ્યો છે. આ દિવસે આકાશમાં એકસાથે અનેક દુર્લભ ખગોળીય ઘટનાઓ જોવા મળશે. એક તરફ જ્યાં વહેલી સવારે આકાશમાં છ ગ્રહો એક જ લાઈનમાં ગોઠવાયેલા જોવા મળશે, તો બીજી તરફ દિવસના ઉત્તરાધમાં વર્ષનું સૌથી મોટું પૂર્ણ સૂર્યગ્રહણ સર્જાશે. આ ઉપરાંત રાત્રિના સમયે પર્સિડ ઉલ્કાવર્ષા પણ પોતાના ચરમસીમા પર હશે.
આકાશમાં સર્જાશે ‘પ્લેનેટ પરેડ’ અને ઉલ્કાવર્ષા
12 ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલાના 45 થી 75 મિનિટના સમયગાળા દરમિયાન બુધ, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન આ છ ગ્રહો આકાશમાં એક સીધી રેખામાં ગોઠવાયેલા નજરે પડશે. આ ગ્રહોમાંથી મંગળ, ગુરુ અને શનિને કોઈ પણ ટેલિસ્કોપ કે ખાસ સાધન વગર નરી આંખે જોઈ શકાશે.
આ જ રાત્રે અમાસની કાળી રાત હોવાને કારણે પર્સિડ ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો પણ સ્પષ્ટપણે જોવા મળશે. ગાઢ અંધકારના કારણે ખગોળપ્રેમીઓ માટે "ખરતા તારા" જોવાનો આ ઉત્તમ અવસર સાબિત થશે.
ક્યાં અને કેવી રીતે દેખાશે પૂર્ણ અને આંશિક સૂર્યગ્રહણ?
આ પૂર્ણ સૂર્યગ્રહણ મુખ્યત્વે ઉત્તર રશિયા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન અને પોર્ટુગલના ભાગોમાં પૂર્ણ સ્વરૂપે દેખાશે. ઉત્તર સ્પેનમાં ગ્રહણના પૂર્ણ તબક્કા દરમિયાન દિવસ દરમિયાન જ અંધારું છવાઈ જશે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના ઉત્તરીય ભાગો, કેનેડા, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા અને યુરોપના મોટાભાગના પ્રદેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે, જ્યાં ચંદ્ર સૂર્યના 90 ટકા કે તેથી વધુ ભાગને ઢાંકી દેશે. આફ્રિકા અને મુખ્ય ભૂમિ યુરોપમાં સૂર્યાસ્ત સમયે સૂર્યનો આંશિક ભાગ ઢંકાયેલો હોય તેવો અનોખો નજારો સર્જાશે.
ભારતીય સમય મુજબ સૂર્યગ્રહણનો ટાઈમિંગ
ભારતીય માનક સમય (IST) અનુસાર, આ સૂર્યગ્રહણ 12 ઓગસ્ટના રોજ રાત્રે 9:05 વાગ્યે શરૂ થશે.
- પૂર્ણ ગ્રહણની શરૂઆત: રાત્રે 10:29 વાગ્યે
- ગ્રહણની પીક (ચરમસીમા): રાત્રે 11:17 વાગ્યે
- પૂર્ણ તબક્કાનો અંત: રાત્રે 12:05 વાગ્યે
- સંપૂર્ણ ગ્રહણ સમાપ્ત: 13 ઓગસ્ટની રાત્રે 1:29 વાગ્યે
જોકે, આ સમયગાળા દરમિયાન ભારતમાં રાત્રિનો સમય હોવાથી આ સૂર્યગ્રહણ ભારતમાં દ્રશ્યમાન થશે નહીં.
