અમદાવાદ.
આજે સૂર્યાસ્ત પછી આકાશમાં ત્રણ ગ્રહો ચંદ્ર, શુક્ર અને શનિ પશ્ચિમ દિશામાં એકસાથે જોવા મળશે. આ અનોખી ખગોળીય ઘટનાનો નજારો લોકો નરી આંખે જોઈ શકશે. વેધશાળામાં દૂરબીનની મદદથી પણ આ સુંદર ખગોળીય દૃશ્યનો આનંદ માણી શકો છો.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલી જીવાજી ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, લોકો આ સુંદર ખગોળીય ઘટના આજે સાંજે જોઈ શકશે.
23 જાન્યુઆરીની બીજી તિથિએ સાયનની ગણતરી પ્રમાણે ચંદ્ર કુંભ રાશિમાં 27 અંશ અને 2 કલા પર હશે અને તેની ક્રાંતિ 16 અંશ અને 59 કલા દક્ષિણમાં હશે. શનિ પણ કુંભ રાશિમાં 24 અંશ 50 કલા પર હશે અને તેની ક્રાંતિ 14 અંશ 25 કલા દક્ષિણમાં હશે. આ જ પ્રક્રિયામાં શુક્ર પણ કુંભ રાશિમાં 25 અંશ 13 કલા પર હશે અને તેની ક્રાંતિ 14 અંશ 29 કલા દક્ષિણમાં હશે.
જ્યોતિષીય ગણતરી મુજબ 17 જાન્યુઆરીએ શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને શુક્ર પણ 22 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યારે ચંદ્ર 23 જાન્યુઆરીની સાંજે કુંભ રાશિમાં જશે.આવી સ્થિતિમાં આજે સાંજે શુક્ર-શનિ અને ચંદ્ર એક રાશિમાં સાથે હશે. આ રીતે આજે સાંજે ત્રણેય ચંદ્ર, શુક્ર અને શનિ એકબીજાની ખૂબ નજીક જોવા મળશે.
આજે સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશાની તરફ ચંદ્ર જોવા મળશે. તેમજ ચંદ્રના એકદમ નીચે દક્ષિણ બાજુએ શુક્ર પણ ખૂબ તેજસ્વી દેખાશે. શુક્ર ગ્રહની બરાબર નીચે શનિ પણ સરળતાથી જોઈ શકાશે. જો કે શનિનું તેજ થોડું ઓછું હશે.
આજે સવારે 07:54 વાગ્યે ચંદ્ર આથમી ચૂક્યો છે. આવી સ્થિતિમાં લોકો લગભગ 1 કલાક 30 મિનિટ સુધી શનિ-શુક્ર અને ચંદ્રનો આ અનોખો નજારો ખૂબ સારી રીતે જોઈ શકશે. લોકો નરી આંખે પોતાના ઘરના ધાબા પર ઉભા રહીને આ અનોખા નજારાને સારી રીતે જોઈ શકશે.