Babri Masjid: તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે તાજેતરમાં એક મોટું નિવેદન આપતા ચેતવણી આપી છે કે આ કોઈ અયોધ્યા નથી, કે જ્યાં કોઈ બાબરી મસ્જિદને હાથ લગાવી શકે. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આગામી ત્રણ વર્ષમાં બાબરી નામની મસ્જિદ બનાવવાની જાહેરાત કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે આ મસ્જિદને કોઈ સ્પર્શ કરી શકશે નહીં.
ત્રણ વર્ષમાં મસ્જિદનું નિર્માણ પૂર્ણ થશે
મસ્જિદના નિર્માણ અંગેની યોજના વિશે માહિતી આપતા હુમાયુ કબીરે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2026 થી આ મસ્જિદના નિર્માણની તૈયારીઓ અને કામ શરૂ થઈ જશે. તેમણે દાવો કર્યો છે કે મસ્જિદનું કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નિર્માણ કાર્ય માટે લાખો ઈંટો અગાઉથી જ આવી ગઈ છે અને મસ્જિદ તૈયાર થયા બાદ ત્યાં દર શુક્રવારે નમાઝ પઢવામાં આવશે.
મસ્જિદનું નામ 'બાબરી' રાખવા પાછળનું કારણ અને ફંડિંગ
ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી કે તેમને મુઘલ શાસક બાબર સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ લોકો આજે પણ આ નામ સાથે જોડાયેલ દર્દ અનુભવે છે, તેથી તેમણે મસ્જિદનું નામ 'બાબરી' રાખ્યું છે. આ પ્રોજેક્ટ માટે તેમને તેમના સમર્થકો અને દાતાઓ તરફથી 20 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ પ્રાપ્ત થયું છે અને આ પૂરેપૂરી રકમનો ઉપયોગ મસ્જિદના નિર્માણ માટે જ કરવામાં આવશે.
બાંગ્લાદેશ સરહદ નજીક પાયો નાખવામાં આવ્યો
હુમાયુ કબીરે 6 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા મુસ્લિમ બહુલ મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં આ મસ્જિદનો પાયો નાખ્યો હતો. નોંધનીય છે કે હુમાયુ કબીર હાલમાં તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ છે, ધાર્મિક સૂત્રોચ્ચાર અંગેની ટિપ્પણી પોતાના સંબોધન દરમિયાન હુમાયુ કબીરે ધાર્મિક સૂત્રોચ્ચાર અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જો ચૂંટણી દરમિયાન 'જય શ્રી રામ' બોલવું યોગ્ય માનવામાં આવતું હોય, તો 'અલ્લાહ હુ અકબર' બોલવું પણ તેટલું જ યોગ્ય છે. તેમના આ પ્રકારના નિવેદનોથી આગામી સમયમાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવો વિવાદ ઉભો થવાની શક્યતા છે.
