Name change in MP: મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે વધુ એક શહેરનું નામ બદલી નાખ્યું છે. સરકારે ભોપાલ નજીક આવેલા સીહોર જિલ્લાના નસરુલ્લાગંજ (Nasrullaganj)નું નામ બદલવાનો નિર્ણય કર્યો છે.
હવે આ શહેરનું નામ ભૈરુંદા (Bhairunda) નામથી ઓળખવામાં આવશે. રાજ્ય સરકારે તેને લઈ એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. શિવરાજ સરકારે નસરુલ્લાગંજનું નામ બદલીને ભૈરુંદા કરવા માટે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ આ અંગેનું નોટિફિકેશન ઈશ્યુ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નસરુલ્લાગંજ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વિધાનસભા ક્ષેત્ર બુધની અંતર્ગત આવે છે. અગાઉ તેમણે આ વિસ્તારનું નામ બદલવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અગાઉ કયા શહેરોના નામ બદલવામાં આવ્યા
આ પ્રથમ વખત નથી કે જ્યારે શિવરાજ સરકારે આ પગલું ભર્યું છે, પણ આ અગાઉ તેમણે ભોપાલના ઈસ્લામ નગરનું નામ બદલીને જગદીશપુર તથા સંભાગ હોશંગાબાદનું નામ બદલીને નર્મદાપુરમ કર્યું હતું. આ ઉપરાંત ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પણ બદલીને રાણી કમલાપતિ સ્ટેશન કર્યું હતું.
ઉત્તર પ્રદેશ સરકાર તથા કેન્દ્રએ નામ બદલ્યા છે
વાત જો ઉત્તર પ્રદેશ તથા કેન્દ્ર સરકારની કરવામાં આવે તો આ દિશામાં પણ કાર્ય થઈ રહ્યું છે. વર્ષ 2018માં યોગી સરકારે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા, તથા અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું હતું. આ અંગે વિપક્ષે ખૂબ જ ધાંધલ મચાવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ મોઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કર્યું હતું.