ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં 15 મુદ્દાનું સોગંદનામું રજૂ કર્યું, ફોર્મ-6 અંગે ખુલાસો કર્યો

વોટર લિસ્ટની ખાસ ઝુંબેશ (SIR) અને ફોર્મ-6 મુદ્દે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. સીઈસી પર લાગેલા એકતરફી નિર્ણયના આરોપોને પંચે પાયાવિહોણા ગણાવ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 26 Oct 2026 09:31 PM (IST)Updated: Mon, 26 Oct 2026 09:31 PM (IST)
the-election-commission-submitted-a-15-point-affidavit-to-the-supreme-court-and-provided-a-clarification-regarding-form-6

Election Commission Affidavit: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના કથિત એકતરફી નિર્ણયો સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિત 'ઈન્ડિયા' ગઠબંધનના 13 નેતાઓ, AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને સામાજિક કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે ચૂંટણી પંચની બેઠકોના તમામ આંતરિક રેકોર્ડ કોર્ટમાં મંગાવવામાં આવે અને આ સમગ્ર મામલાની ન્યાયિક તપાસ થાય. ત્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનરને તેમની કામગીરીથી દૂર રાખવાની માંગ પણ કરવામાં આવી હતી.

આ આક્ષેપો સામે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં 15 મુદ્દાનું વિગતવાર સોગંદનામું (Affidavit) રજૂ કરીને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે મીડિયા રિપોર્ટ્સ પર આધારિત આ અરજીઓમાં કોઈ તથ્ય નથી અને પંચના તમામ આદેશો સંપૂર્ણ સર્વસંમતિથી લેવામાં આવ્યા છે.

વોટર લિસ્ટની ખાસ ઝુંબેશ (SIR) અને ફોર્મ-6 અંગે વિગતવાર ખુલાસો

મુખ્ય ચૂંટણી કમિશનર સાથે બંને ચૂંટણી કમિશનરોની મંજૂરીથી દાખલ કરાયેલા આ સોગંદનામામાં પંચે કામગીરીની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી છે.

સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયો

સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત જૂન 2025, ઓક્ટોબર 2025 અને મે 2026ના ત્રણેય મહત્વપૂર્ણ આદેશો પંચના તમામ સભ્યોની સર્વસંમતિથી જ લેવાયા હતા. પંચમાં ફાઈલ પહેલા એક કમિશનર, ત્યારબાદ બીજા કમિશનર અને છેલ્લે CEC પાસે જાય છે. જરૂરી સંજોગોમાં ડિજિટલ મંજૂરી લઈને પછીથી ફાઈલ પર નોંધ કરવામાં આવે છે. કોઈ ફાઈલ પર કરાયેલી પ્રાથમિક ટિપ્પણી કે સવાલને અંતિમ નિર્ણય ગણી શકાય નહીં.

ફોર્મ-6માં ફેરફારનો અધિકાર

ચૂંટણી પંચે સ્પષ્ટ કાયદાકીય સ્થિતિ દર્શાવી કે ફોર્મ-6માં ફેરફાર કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે, પંચ પાસે નહીં. ઓનલાઈન પોર્ટલની ડિઝાઇનના કારણે ફોર્મ-6માં ફેરફાર થયો હોવાની ગેરસમજ ઉભી થઈ હતી. આથી 12 ઓક્ટોબરથી ઓનલાઈન ફોર્મ-6ને પણ કાગળના મૂળ ફોર્મની જેમ જ SIRના જાહેરાતપત્ર (Declaration)થી અલગ કરી દેવાયું છે.

જે મતદારોના જૂના રેકોર્ડ મેચ નથી થયા, તેમને સીધા સુનાવણી માટે બોલાવવાની જરૂર નથી. બીએલઓ (BLO) પોતે તેમના ઘરે જઈને દસ્તાવેજ એકત્ર કરશે. માત્ર અપવાદરૂપ કિસ્સામાં જ ઓનલાઈન કે રૂબરૂ સુનાવણી થશે.

બંધારણીય મર્યાદાઓ અને રાજ્યોના વિવાદ પર ચોખવટ

ચૂંટણી પંચે સોગંદનામામાં બંધારણીય જોગવાઈઓનો હવાલો આપતા જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે સુપ્રીમ કોર્ટના જજને હટાવવા સમાન જ જટિલ બંધારણીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેથી CECને કામથી રોકવાની અરજી કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી.

રાજ્યો સંબંધિત વિવાદો પર પણ પંચે સ્પષ્ટતા રજૂ કરી છે

ગોવા કેસ: ગોવામાં રહી ગયેલા 97 મતદારોના મુદ્દે કોઈ વિવાદ નથી. તેમાંથી 88 લોકોના નામ પહેલાથી જ ઉમેરાઈ ચૂક્યા હતા, 6 લોકો વિદેશમાં સ્થાયી થયા હતા અને 3 લોકો પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ હતો.

પશ્ચિમ બંગાળ કેસ: બંગાળમાં યાદીમાં ઉમેરાયેલા નામો અંગેના વાંધાઓ ત્યાંના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) દ્વારા જ SIR ટ્રિબ્યુનલ સમક્ષ મૂકવામાં આવ્યા છે.

દશેરાની રજાઓના કારણે હાલ પંચે ટૂંકો જવાબ રજૂ કર્યો છે અને ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા વાજપેઈ તથા જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠ સમક્ષ આ મામલે તમામ પાસાઓ પર વિસ્તૃત જવાબ રજૂ કરવા માટે પરવાનગી માંગી છે.