Tejas Fighter Jet: દુબઈ એર શૉમાં મોટી દુર્ઘટના, ભારતીય ફાઈટર જેટ તેજસ ધડામ કરતાં જમીન પર પટકાઈ આગના ગોળામાં ફેરવાયું; પાયલટનું મોત

અગાઉ 2024માં પણ રાજસ્થાનના પોખરણમાં પણ યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેઈલ થઈ જતાં તેજસ ક્રેશ થઈ ગયું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Nov 2025 04:24 PM (IST)Updated: Fri, 21 Nov 2025 06:55 PM (IST)
tejas-fighter-jet-crashes-dubai-air-show-latest-news-updates
HIGHLIGHTS
  • દુબઈના અલ મક્તુમ એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
  • તેજસ ક્રેશ થવાના કારણો જાણવા કોર્ટ ઑફ ઈન્ક્વાયરી બેસાડી

Tejas Fighter Jet Crashes, Dubai Air Show: દુબઈ એર શૉમાં ઈન્ડિયન એરફોર્સનું તેજસ ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટના અલ મકતૂમ એરપોર્ટ પર જારી એર શૉમાં એક ડેમો ફ્લાઈટ દરમિયાન થઈ હતી. જેમાં પાયલટનું મોત થયું છે.

ન્યૂઝ એજન્સી APના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે દુબઈના સમય પ્રમાણે બપોરે 2:10 કલાકે અને ભારતીય સમય પ્રમાણે 3:40 કલાકે આ દુર્ઘટના ઘટી હતી.

આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. જો કે તેજસ ફાઈટર જેટ હવામાં અદ્દભૂત કરતબ બતાવી રહ્યું હતુ. આ સમયે હવામાં ટર્ન લેતી વખતે અચાનક જેટ બેકાબુ બની ગયું અને ધડામ કરતું જમીન પર પટકાયું. આ સાથે જ પ્રચંડ વિસ્ફોટ થયો. જેના પરિણામે અલ મક્તૂમ એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.

આ દુર્ઘટના બાદ ઈન્ડિયન એરફોર્સે ફાઈટર જેટ ક્રેશ થવાના કારણોની તપાસ કરવા માટે કોર્ટ ઑફ ઈન્ક્વાયરી બેસાડી દીધી છે. એરફોર્સનું જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉ 2024માં પણ રાજસ્થાનના પોખરણમાં પણ યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેઈલ થઈ જતાં તેજસ ક્રેશ થઈ ગયું હતુ.

જણાવી દઈએ કે, દુબઈ એર શૉમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટનું પ્રદર્શનક રવામાં આવી રહ્યું છે. જેમાં વિશ્વની સૌથી મોટી એરોસ્પેસ કંપનીઓ, એરલાઈન્સ, એર ફોર્સ અને ટેક્નોલૉજી કંપનીઓ પોતાના નવા-નવા વિમાન, હેલિકૉપ્ટર અને એરોસ્પેસ ટેક્નૉલોજી દર્શાવે છે. પાંચ દિવસના એર શૉનો શુક્રવારના રોજ અંતિમ દિવસ છે.

ઉલ્લેખનીય છે કે, દુબઈ એર શૉની શરુઆત 1989માં થઈ હતી. જેને દુબઈના અલ મક્તુમ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં દર 2 વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ સતત ત્રીજીવાર છે, જ્યારે તેમાં તેજસ ફાઈટર જેટને સામેલ કરવામાં આવ્યું હતુ.