TCS Nashik Sexual Harassment: ભારતીય આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાશિક યુનિટમાં ચાલી રહેલા જાતીય સતામણીના કેસે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસ તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પીડિત મહિલા કર્મચારીઓએ તેમના પુરુષ સાથીદારો પર માત્ર શારીરિક છેડતી જ નહીં, પરંતુ હિન્દુ દેવતાઓનું અપમાન અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલે SIT ની રચના કરી છે, જેણે અત્યાર સુધીમાં 9 FIR નોંધી 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
જાણો કઇ રીતે માનસિક સતામણી કરતા હતા
આ પણ વાંચો
SIT સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં એક પરિણીત મહિલા એસોસિયેટે ચોંકાવનારી વિગતો આપી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, તેના લગ્ન પછી ઓફિસમાં તેના સાથીદારોએ તેને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હતું. ટીમ લીડર રઝા મેનન તેને સતત "ખેલાડી" કહીને સંબોધતો હતો. જ્યારે પણ તે કામમાં મુશ્કેલી અનુભવતી, ત્યારે રઝા તેની મજાક ઉડાવતા કહેતો, "શું થયું ખેલાડી? કામ સંભાળી શકતી નથી?"
આટલું જ નહીં, અન્ય એક કર્મચારી આસિફ અંસારી પર આરોપ છે કે તે જાણી જોઈને પીડિતાની નજીક આવીને બેસતો અને તેના શરીરના અંગોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો. આસિફે મહિલાના શરીર પર અભદ્ર ટિપ્પણી કરતા તેને "ઝીરો ફિગર" કહી હતી. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર બ્લોક કર્યો, ત્યારે આસિફે તેને કરિયર બરબાદ કરવાની ધમકી આપી હતી.
આક્ષેપો વિશે જાણો
આ કેસ માત્ર જાતીય સતામણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ધાર્મિક એન્ગલ પણ સામે આવ્યો છે. પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે આસિફ અંસારી અને અન્ય આરોપીઓ હિન્દુ દેવતાઓ વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરતા હતા. આ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ગંભીર નોંધ લીધી છે. તેમણે આ ઘટનાને "કોર્પોરેટ જેહાદ" નું સંભવિત ઉદાહરણ ગણાવ્યું છે, જ્યાં ઓફિસ કલ્ચરની આડમાં ધર્મ પરિવર્તન અને ધાર્મિક ઉત્પીડનનો ખેલ ખેલાતો હોવાની આશંકા છે.
સાડીનો પલ્લુ ખેંચી અશ્લીલ ચેષ્ટા કરાઇ હતી
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આ વર્ષના માર્ચ મહિનામાં ગુડી પડવાના પવિત્ર તહેવાર પર જ્યારે તે સાડી પહેરીને ઓફિસ આવી હતી, ત્યારે રઝા મેનન દ્વારા તેની મર્યાદા ભંગ કરવામાં આવી હતી. પેન્ટ્રી પાસે લોબીમાં રઝાએ તેનો સાડીનો પલ્લુ ખેંચ્યો હતો. જ્યારે મહિલાએ પાછળ ફરીને જોયું તો રઝા પલ્લુ હાથમાં પકડીને તેની સામે અશ્લીલ સ્મિત આપી રહ્યો હતો. આ ઘટનાએ ઓફિસમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
TCS ની પ્રતિક્રિયા અને કાર્યવાહી વિશે જાણો
આ વિવાદ વકરતા TCS એ સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના ઉત્પીડન સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ ધરાવે છે. કંપનીએ આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે તેમના આંતરિક પોશ (POSH) અથવા એથિક્સ પોર્ટલ પર અગાઉ આવી કોઈ લેખિત ફરિયાદ મળી ન હતી. બીજી તરફ, ધરપકડ કરાયેલા રઝા મેનનના પરિવારે આ આક્ષેપોને ષડયંત્ર ગણાવ્યા છે.
