Ban On Freebies To Doctors:દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને મોંઘી ગિફ્ટ, વિદેશ યાત્રા અને અન્ય ફ્રીબીઝ આપીને કંપનીઓ પોતાની દવાઓ લખાવવા માટે જે ખેલ કરી રહી છે તેના પર હવે અંકૂશ લાગશે. દવા કંપનીઓ આ પ્રકારની અયોગ્ય અથવા તો અનૈતિક પદ્ધતિઓથી પોતાની દવાઓનો પ્રચાર ન કરે તે માટે હવે એક ખાસ સમિતિની રચના કરવામાં આવશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ માટે સમિતિની રચના કરવા આ પ્રકારની પ્રવૃત્તિઓને અંકૂશમાં લેવા આદેશ કર્યો છે.
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે સરકારને આદેશ કર્યો કે તે કોર્ટના જૂના આદેશો તથા ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને આ સમિતિની રચના કરે. આ સમિતિ તે સૂચનો પર વિચાર કરશે અને યોગ્ય ઉપાયો અંગે ભલામણો કરશે કે જેથી આ અયોગ્ય પદ્ધતિને અટકાવી શકાય.
ચૂકાદાના મુખ્ય ભાગને વાંચતા ન્યાયમૂર્તિ મહેતાએ કહ્યું કે અમે ભારત સરકારને કમિટીની રચના કરવા તથા અમારા અગાઉના દિશા-નિર્દેશો તથા ટિપ્પણીઓના આધારે ભલામણો રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટના આ આદેશનું પાલન થયું છે કે નહીં તે બાબતને 29 જાન્યુઆરી 2027ના રોજ પૂરી રીતે જોશે.
આ કેસ ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેન્જેન્ટેટિવ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(FMRAI) દ્વારા દાખલ કરવામાં આવેલ એક અરજીથી થયો છે. આ અરજીમાં સ્પષ્ટપણે દવા કંપનીઓના માર્કેટિંગની રીતને નિયંત્રિત કરવા એક કાયદાના સ્વરૂપમાં નિયમનકારી નિયમ ઘડવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ ડોક્ટરો અને મેડિકલ પ્રોફેશનલ સાથે સંકળાયેલ ખોટી અને અનૈતિક પદ્ધતિઓને લઈ કેટલાક આરોપ લગાવવામાં આવ્યા હતા.
અરજદારે એ વાત પર ભાર આપ્યો હતો કે ડોક્ટરોને કોઈ ખાસ દવા લખવા માટે પ્રભાવિત કરવા માટે તેમને કિંમતી ભેટ, વિદેશ યાત્રા, અન્ય ફ્રી ચીજવસ્તુ તથા ભારે દબાણ કરતી માર્કેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
અરજીમાં માંગ કરવામાં આવી છે કે જ્યા સુધી કોઈ અસરકાર કાયદો ઘડવામાં ન આવે ત્યા સુધી સુપ્રીમ કોર્ટ જાતે જ ક એવી માર્ગદર્શિકા નક્કી કરે કે જેથી દવા કંપનીઓના આ ખોટી રીત પર અંકૂશ લગાવી શકાય. સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે એક ત્રણ સભ્યની પેનલની રચના કરી રહી છે. આ પેનલ એક કાયદાકીય માળખુ તૈયાર કરવા સૂચન કરશે, જેથી એ બાબત સુનિશ્ચિત કરી શકાય કે દવા કંપનીઓ કોઈ ખોટી પદ્ધતિનો ઉપયોગ ન કરે.
